નડિયાદમાં 4 દિવસમાં ત્રીજીવાર 70થી વધુ સાથે જિલ્લામાં 154 પોઝિટિવ કેસ
- જિલ્લામાં એક જ દિવસમાં 5 હજારને રસીના ડોઝ અપાયા
- નડિયાદમાં સૌથી વધુ 70, મહુધામાં 15, મહેમદાવાદમાં 14, કઠલાલમાં, વસોમાં 11-11, કપડવંજ-ઠાસરામાં 9-9, ગળતેશ્વરમાં 7, માતરમાં 6, ખેડામાં 2 કેસ
નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોનાનો હાહાકાર યથાવત છે. સળંગ ત્રીજા દિવસે જિલ્લામાં ૧૫૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. સોમવારે જિલ્લામાં ૧૫૪ કોરોના પોઝિટિવ કેસો આવતા કુલ કેસોનો આંકડો ૫૬૩૦ થયો છે. એપ્રિલ મહિનામાં જ સત્તાવાર આંકડામાં જ ૧૭૨૨થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે. જિલ્લાના વડામથક નડિયાદમાં ચાર દિવસમાં ત્રીજીવાર ૭૦થી વધુ પોઝિટિવ કેસો આવ્યા છે. નડિયાદમાં સોમવારે નવા ૭૦ કેસો સાથે દસ દિવસમાં કેસોનો આંકડો ૪૦૦ને વટાવી ગયો છે. જોકે કોરોનાના વધતા આક્રમણ સામે રસીકરણ કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો છે અને જિલ્લામાં સોમવારના એક જ દિવસમાં ૫૦૦૦ જેટલા ડોઝ મૂકવામાં આવ્યા છે.
૨૬ એપ્રિલના રોજ નોંધાયેલા કુલ ૧૫૪ કેસોમાંથી નડિયાદમાં સૌથી વધુ ૭૦ કેસો નોંધાયા છે, જ્યારે મહુધામાં ૧૫, મહેમદાવાદમાં ૧૪, કઠલાલમાં ૧૧, વસોમાં ૧૧, કપડવંજમાં ૯, ઠાસરામાં ૯, ગળતેશ્વરમાં ૭, માતરમાં ૬ અને ખેડામાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગત માર્ચમાં કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી આ ચાલુ એપ્રિલના પહેલા સપ્તાહ સુધી જેવો કહેર નહોતો વર્તાયો તેવો છેલ્લા સાત દિવસમાં વર્તાયો છે. છેલ્લા સાત દિવસમાં જિલ્લામાં આશરે ૯૦૦થી વધુ કેસો નોંધાયા છે, તેમાં એકલા નડિયાદમાં જ ૪૧૮ કેસો સત્તાવાર આંકડામાં દર્શાવવામાં આવ્યા છે, જ્યારે કપડવંજમાં ૮૮, મહુધામાં ૬૭, કઠલાલમાં ૫૮, મહેમદાવાદમાં જ ૭૨ જેટલા કેસો સામે આવ્યા છે. ગત ૨૬ માર્ચ સુધી જિલ્લામાં કુલ કોરોના કેસોનો આંકડો ૩૭૩૨ હતો, તે એક જ મહિનામાં બમણો થવા આવ્યો છે. આ એક મહિનામાં ૧૮૯૮ કેસો આવી ચૂક્યા છે.
આ સાથે એપ્રિલના ૨૬ દિવસમાં જિલ્લામાં કુલ ૧૭૨૨ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. સરકારી યાદી પ્રમાણે સોમવારે સાંજ સુધી ૯૩૬ દર્દી સારવાર હેઠળ છે, તેમાંથી ૬૩૬ની સ્થિતિ સ્ટેબલ હોવાનું જણાવાયું છે, જ્યારે ૨૭૨ ઓક્સીજન પર અને ૨૮ દર્દી વેન્ટિલેટર-બાયપેપ ઉપર સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૨૫૪ દર્દીની સારવાર હોમ આઈસોલેશનમાં થઈ રહી છે. ખેડા જિલ્લામાં રવિવારેે ૯૨૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ સાથે જિલ્લામાં તપાસવામાં આવેલા કુલ સેમ્પલોની સંખ્યા ૯૦૯૯૮ પર પહોંચી છે, જેમાંથી ૫૬૩૦ પોઝિટિવ અને ૮૦૯૧૫ નેગેટિવ આવ્યા છે. હજી ૧૨૮૯ સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું સરકારી યાદીમાં જણાવાયું છે. જિલ્લા તંત્ર દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતી સરકારી યાદી અને હોસ્પિટલો દ્વારા ઓનલાઈન મૂકવામાં આવતા આંકડામાં વચ્ચે તફાવત યથાવત જોવા મળી રહ્યો છે.
સોમવારે વેબસાઈટના આંકડા પ્રમાણે જિલ્લાના ૧૦૫૬ કોરોના બેડ ભરેલા છે તો સરકારી યાદી પ્રમાણે જિલ્લામાં ૯૩૬ દર્દીઓ જ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. સોમવારની સાંજ સુધીના સરકારી વેબસાઈટના આંકડા પ્રમાણે સરકારી નિયમો પ્રમાણે કોવિડ સારવારની માન્યતા ધરાવતી ૩૯ જેટલી હોસ્પિટલોમાંથી ૨૨ પૂરી ભરાઈ ગઈ છે અને ત્યાં એક પણ કોવિડ બેડ ઉપલબ્ધ નથી, જ્યારે અન્ય સારવાર કેન્દ્રો અને હોસ્પિટલો મળીને જિલ્લામાં હજી ૧૪૧ જેટલા કોવિડ બેડ હજી ખાલી છે. સોમવારના આંકડા પ્રમાણે સુધી જિલ્લામાં કુલ ૧૧૯૭ કોવિડ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
સોમવારની સાંજ સુધી જિલ્લામાં ફ્રન્ટલાઈન વર્કરને ૩૭૮૮૯ જેટલા પ્રથમ ડોઝ અને ૧૧૯૦૬ જેટલા બીજા ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે હેલ્થ કેર વર્કરને ૧૩૦૪૪ જેટલા પ્રથમ અને ૧૦૭૭૨ જેટલાને બીજો ડોઝ અપાયો છે. અત્યાર સુધી ૪૫થી વધુ ઉંમરના નાગરિકોને ૨૬૩૩૬૧ સંખ્યામાં પ્રથમ ડોઝ જ્યારે ૩૬૧૧૨ સંખ્યામાં બીજો ડોઝ મળી ચૂક્યો છે. સોમવારના એક દિવસમાં જ જિલ્લામાં ૪૯૫૯ જેટલા લાભાર્થીને રસી મૂકવામાં આવી છે.
સાત દિવસમાં જિલ્લાના મુખ્ય તાલુકાઓમાં કોરોના વિસ્ફોટ
નડિયાદ - ૪૧૮
કપડવંજ - ૮૮
મહુધા - ૬૭
કઠલાલ - ૫૮
મહેમદાવાદ- ૭૨