૧૫૦ વર્ષ જૂના રાધાવલ્લભ મંદિરનો જર્જરિત ભાગ આજથી તોડવાનું શરૃ
ધાર્મિકવિધિ મુજબ રાધાવલ્લભ મૂર્તિને નજીકના મંદિરમાં આજે સ્થાપિત કરાશે
વડોદરા, તા.27 માંડવી સેન્ટ્રલ લાયબ્રેરી સામે આવેલા ગાયકવાડી સમયના ૧૫૦ વર્ષ જૂના જર્જરિત રાધાવલ્લભ મંદિરના જીર્ણોદ્ધારનું કામ આવતીકાલથી હાથ ધરાશે. છેલ્લા ઘણા સમયથી સરકાર હસ્તક આ મંદિરને નવું બનાવવાની માંગણી કરવામાં આવી હતી અને આખરે કાલથી કામ શરૃ થશે.
ઉલ્લેખનીય છે કે શહેરના ચાર દરવાજાના બેંક રોડ પર આવેલા મહારાણી ગહિનાબાઇ ગાયકવાડ દ્વારા સ્થાપિત આ પૌરાણિક રાધા વલ્લભ મંદિરનો બે વર્ષ પહેલાં કેટલોક ભાગ તૂટી પડતાં મંદિર જર્જરિત થઇ ગયું હતું. આ જર્જરિત મંદિરનો ભાગ તોડી નાંખવા અથવા તેની મરામત કરાવવા માટે મંદિરના પૂજારી દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી હતી.
દર્શનાર્થીઓ પણ મંદિરમાં દર્શન માટે ગભરાટ અનુભવતા હતા તેમજ પૂજારી પણ છેલ્લા ઘણા સમયથી ભય વચ્ચે ઠાકોરજીની પૂજા કરતા હતાં. વર્ષ-૨૦૨૧ની ભાઇબીજના દિવસે બપોરે મંદિરના પૂજારી ઉમાકાંત ભટ્ટ આરામ કરતા હતા તે વખતે જ છતનો ભાગ તૂટીને પડયો હતો. બાદમાં અનેક વખત રજૂઆતો થતાં કલેક્ટર દ્વારા તા.૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ યાત્રાધામ વિકાસ બોર્ડનું ધ્યાન દોર્યું હતું અને તા.૧૭ ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ ઉદ્યોગ વિભાગ દ્વારા રૃા.૧.૯૬ કરોડના ખર્ચની મંજૂરી આપી હતી અને તા.૧૮ એપ્રિલ -૨૦૨૨ના રોજ વડોદરાની એજન્સીને વર્ક ઓર્ડર અપાયો હતો. હવે આવતીકાલે સવારે મંદિરમાં બિરાજમાન રાધાવલ્લભની પૂજા સાથે બાજુના મંદિરમાં પધરામણી કરાશે અને ત્યારબાદ ૧૫૦ વર્ષ જૂના મંદિરનો જર્જરિત ભાગ ઉતારવાની કાર્યવાહી હાથ ધરાશે.