વડોદરા રેલવે ડિવિઝનના 15 સ્ટેશનોની 135 કરોડના ખર્ચે કાયાપલટ થશે, પ્રતાપનગર રેલવે સ્ટેશન પાછળ 50 કરોડ ખર્ચાશે
વડોદરા,તા. 2 મે 2023,શુક્રવાર
ભારતીય રેલવેની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વડોદરા રેલવે ડિવિઝનના 15 સ્ટેશનોની 135 કરોડ રુપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે. સાથે સાથે વડોદરા ડિવિઝનના નવ સ્ટેશન પર વધારે પહોળા ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે અને તેમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશનને સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવવાનુ કામ ચાલી રહ્યુ છે. જેની પાછળ 50 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્રસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં ઉપરોક્ત જાણકારી આપી હતી અને કહ્યુ હતુ કે, જે પણ રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવશે તેની ડિઝાઈન સ્થાનિક સંસ્કૃતિને આધારિત હશે. આ સ્ટેશનો પર મુસાફરોને વધારે સારી સગવડો મળશે. અત્યારે અમારૂ ધ્યાન મુસાફરોને વધારે સારી સુવિધા પૂરી પાડવા તરફ જ છે. જેના ભાગરૂપે વિવિધ રેલવે સ્ટેશનોના પ્લેટફોમની લંબાઈ કે ઉંચાઈ વધારવામાં આવી રહી છે.
આણંદ, ગોધરા, કરજણ જેવા સ્ટેશનો પર લિફ્ટની સુવિધા પૂરી પાડવાનુ કામ ચાલી રહ્યુ છે. તમામ સ્ટેશનો પર એક સરખા સાઈન બોર્ડ મુકવામાં આવશે. પેસેન્જર ઈન્ફર્મેશન સિસ્ટમને વધારે બહેતર બનાવવામાં આવશે. સ્ટેશનો પરના વેઈટિંગ રૂમનુ ફર્નિચર બદલવામાં આવશે તેમજ વોશરૂમ્સ પર ધ્યાન આપવામાં આવશે.
તેમણે કહ્યુ હતુ કે, પ્રતાપનગર રેલવે સ્ટેશનને સેટેલાઈટ સ્ટેશન તરીકે ડેવલપ કરવા માટે 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સ્ટેશનની ડિઝાઈન બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે. નવા સ્ટેશનમાં બંને તરફથી એન્ટ્રી હશે. 12 મીટરનો ફૂટ ઓવર બ્રિજ બનશે. બે નવા પ્લેટફોર્મનો ઉમેરો થશે. 24 કોચ વાળી ટ્રેન ઉભી રહી શકે તે પ્રમાણે પ્લેટફોર્મની લંબાઈ હશે. આ સ્ટેશન તૈયાર થઈ ગયા બાદ મુંબઈ તરફની ટ્રેનો અહીંથી ઉપડશે. સાથે સાથે વડોદરા રેલવે સ્ટેશનને પણ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડેલ પર અપગ્રેડ કરવાની યોજના છે.
- એક વર્ષમાં વંદે ભારતની ઝડપ વધારીને પ્રતિ કલાક 160 કિમી કરવાનું લક્ષ્યાંક
ડીઆરએમ જિતેન્દ્ર સિંહે કહ્યુ હતુ કે, વર્તમાન નાણાકીય વર્ષમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેનને વડોદરા ડિવિઝનમાં પ્રતિ કલાક 160 કિલોમીટરની ઝડપે દોડાવવાનુ ટાર્ગેટ છે. આ માટે ટ્રેક પર જરુરી સુધારા વધારા કરવાનુ શરૂ થઈ ગયુ છે. રખડતા ઢોરની સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેકની બંને તરફ ફેન્સિંગ પણ કરવામાં આવી રહ્યુ. આગામી માર્ચ મહિના સુધીમાં વંદે ભારત ટ્રેન વડોદરા ડિવિઝનમાં 160 કિલોમીટરની ઝડપે દોડતી હશે. હાલમાં તેની મહત્તમ ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાક છે.
સાથે સાથે વડોદરા રેલવે ડિવિઝન વડોદરા હરિદ્વાર બાદ એક નવી ટ્રેન શરૂ કરવા જઈ રહ્યુ છે. આ ટ્રેન પ્રતાપનગરથી અલીરાજપુર વચ્ચે દોડશે. સાત તારીખથી તેનો પ્રારંભ થશે.
- વડોદરા ડિવિઝનની 2812 કરોડની આવક થઈ
વડોદરા રેલવે ડિવિઝને 2022-23માં આવકનુ ટાર્ગેટ સિધ્ધ કરવાની સાથે સાથે ટાર્ગેટ કરતા વધારે કમાણી કરી છે. 2022-23માં વડોદરા ડિવિઝનનુ આવકનુ ટાર્ગેટ 2790 કરોડ રૂપિયા હતુ. તેની સામે નાણાકીય વર્ષના અંતે 2812 કરોડ રૂપિયાની આવક થઈ છે.
- ટ્રેનોની કવચ સિસ્ટમ માટે કામગીરી ચાલી રહી છે
વડોદરા ડિવિઝન દ્વારા કવચ સિસ્ટમ માટે કામગીરી ચાલી રહી છે. ભારતીય રેલવે દ્વારા ટ્રેનો વચ્ચેનો અકસ્માત નિવારવા માટે આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જેમાં એક જ ટ્રેક પર બે ટ્રેનો જો આમને સામને આવી જાય તો તે આપોઆપ અટકી જાય છે અને ટ્રેનો અથડાવાનુ જોખમ રહેતુ નથી.
- એકતા નગરના પાર્કિંગ એરિયામાં સોલર પેનલો લાગશે
સ્ટેશનો પર એક મેગાવોટની ક્ષમતા ધરાવતી સોલર પેનલો ઈન્સ્ટોલ કરવામાં આવશે. કેવડિયાનુ એકતા નગર રેલવે સ્ટેશન તેમાં મોખરે છે. અહીંયા પાર્કિંગ એરિયામાં પણ સોલર પેનલો લગાવવાનુ નક્કી કરાયુ છે.
- 6 સ્ટેશન બહાર ઈવી ચાર્જિંગની સુવિધા અપાશે
વડોદરા રેલવે સ્ટેશનની બહાર ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગની સુવિધા આપવામાં આવે છે. આ જ પ્રકારની સુવિધા બીજા 6 સ્ટેશનો પર આપવાનુ નક્કી કરાયુ છે. સાથે સાથે કેટલાક સ્ટેશનો પર મહિલાઓને ધ્યાનમાં રાખીને સેનેટરી નેપકિન સહિતની બીજી વસ્તુઓ માટેના વેન્ડિંગ મશિનો પણ મુકાશે.