રેપિસ્ટ ન્યૂરોસર્જન ડો.યશેષને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચનું ૧૫ કલાકનું ઓપરેશન...
વડોદરા,તા.18 ફેબ્રુઆરી,2019,સોમવાર
ન્યુરો સર્જન ડો.યશેષ દલાલને પકડવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાયા બાદ ૧૫ કલાકના ગાળામાં પોલીસ ડોક્ટર સુધી કેવી રીતે પહોંચી તેની સિલસિલાબધ્ધ વિગતો આ મુજબ છે.
બળાત્કારી ડોક્ટરને શોધતી જેપી રોડ પોલીસે એક સપ્તાહથી કાંઇ નહીં ઉકાળતાં પોલીસ કમિશનરે ગઇકાલે સવારે જ આ પ્રકરણની તપાસ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાને સોંપી હતી.
ડીસીપીએ જુદી જુદી ટીમો તૈયાર કરી હતી અને ડોક્ટરની આગોતરા જામીનની પ્રક્રિયા પહેલાં જ દબોચી લેવાની સૂચના આપી હતી.
પોલીસે ડોક્ટરના લોકેશન તપાસતાં ચાર લોકેશન મળ્યા હતા.જેમાં ભરૃચ અને અમદાવાદના લોકેશન ખોટા નીકળ્યા હતા.જ્યારે દિલ્હીના લોકેશનની પણ માહિતી ને સમર્થન મળ્યું નહતું.
પોલીસે મુંબઇના લોકેશન પર નજર રાખી હતી અને ખાનગી બાતમીદાર તેમજ મોબાઇલ સર્વેલન્સ મારફતે વાલકેશ્વરના મલબાર હિલનું પગેરૃં શોધી આ વિસ્તારમાં રહેતા ડોક્ટરના સબંધી ઉપેન્દ્ર શેઠનું સરનામું મેળવી લીધું હતું.
મુખ્યમંત્રી રહે છે તે પોશ એરિયામાં જવા માટે મુંબઇ પોલીસની મદદ લેવાનું ટાળ્યું
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહે છે તે વાલકેશ્વર મલબાર હિલ જેવા પોશ એરિયામાંથી ડોક્ટરને પકડવા માટે વડોદરા પોલીસે મુંબઇ પોલીસની મદદ લેવાનું ટાળ્યું હતું.
સામાન્ય સંજોગોમાં બહારની પોલીસ કોઇ પણ કામ માટે જાય ત્યારે સ્થાનિક પોલીસની મદદ લેવાની હોય છે.પરંતુ વડોદરા પોલીસને મુંબઇ પોલીસના ભૂતકાળમાં થયેલા વરવા અનુભવને કારણે આ વખતે પોલીસે એકલે હાથે જ કામ પાર પાડવાનો નિર્ણય લીધો હતો.
મુંબઇ પોલીસને જાણ કર્યા વગર પોલીસની ટીમે ખાનગી વાહનમાં સાદાવેશમાં મલબાર હિલ એરિયાનું ૧૨ માળનું દેવસૃષ્ટિ એપાર્ટમેન્ટ શોધી કાઢી સીધી ડોક્ટરના સબંધીના ફ્લેટમાં પહોંચી ગઇ હતી.