બરોડા ડેરી વિવાદનો મુદ્દો: દુમાડ ચોકડી પોલીસ છાવણીમાં ફેરવાયું: 15ની અટકાયત
વડોદરા,તા.21 સપ્ટેમ્બર 2021,મંગળવાર
બરોડા ડેરીમાં પશુપાલકોને દૂધના ભાવમાં યોગ્ય વળતર મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવવા નીકળેલા પશુપાલકોના વડોદરા તરફ જતાં કાફલાને પોલીસે દુમાડ ચોકડી ખાતે કરી અટકાયત કરી હતી.
ગઈકાલે સાવલી ના ધારાસભ્ય સહિતના ધારાસભ્યો અને બરોડા ડેરીના સત્તાધીશો સાથે સાંસદની ઉપસ્થિતિમાં બરોડા ડેરી ખાતે દૂધના ભાવ ફેરની માંગ મુદ્દે સમાધાન બેઠક મળવા પામી હતી. જોકે તેમાં કોઈક કારણોસર બેઠકમાં વિવાદ વધુ વકર્યો હતો. અને માંગની સંમતિ ન સંધાતા ધારાસભ્યોએ વિરોધનો સુર ઉઠાવ્યો હતો.
દરમ્યાન આજે આ મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નાના ભાઈ સંદિપ ઈનામદારની આગેવાનીમાં પશુપાલકો, ડેરી સભાસદો, દૂધ મંડળીના પ્રમુખ મંત્રી, અને શુભેચ્છકો સાથે કલેકટરને રજૂઆત કરવા માટે નીકળ્યા હતા. અને આ દરમ્યાન સર્કિટ હાઉસ ખાતે બેઠક પણ મળવાની હતી પરિણામે બરોડા ડેરી ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેવામાં આજે વહેલી સવારે વરસતા વરસાદમાં દુમાડ ચોકડી પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ હતી અને કલેકટરને રજૂઆત કરવા માટે નીકળેલા 30થી વધુ પશુપાલકોને ત્યાં જ રોકી દીધા હતા. સાવલીથી ધારાસભ્યના ભાઈ સંદીપ ઇનામદારની આગેવાની સહિત અન્ય સાવલી ડેસર તાલુકાના પશુપાલકો સમર્થકો વડોદરા કેતન ઇનામદાર ના સમર્થન માં વડોદરા જતાં કાફલા ને સાવલી, ગોઠડા, મંજુસર, અને દુમાંડ ચોકડી અટકાવવામાં આવ્યા હતા. દુમાંડ ચોકડી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. જેમાં ગ્રામ્ય ડીવાયએસપી સહિતનો કાફલો ખડકાયો હતો.