Get The App

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ 13 કેસ

- સેક્ટર-૨૬ કિસાનગરના ૬૫ વર્ષિય વૃદ્ધ પોઝિટિવ

- કલોલ માર્કેટમાં પુજાપાની દુકાન ધરાવતાં ૪૦ વર્ષિય વેપારી સંક્રમિત

Updated: Jun 1st, 2020

GS TEAM

Google News
Google News
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ 13 કેસ 1 - image


ગાંધીનગર, તા. 31 મે 2020, રવિવાર

ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે વધુ ૧૩ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાં કલોલના સૌથી વધારે નવ જેટલા કેસ હોવાનું સામે આવ્યું છે. કલોલ શહેરમાં ચાર કેસ ઉપરાંત મોખાસણ અને બાલવામાંથી પણ કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. ગાંધીનગર શહેરમાં બોરીજ વિસ્તારની આશાવર્કર બહેન તથા સે-ર૬ના વૃધ્ધ પોઝિટિવ આવ્યા છે. માણસામાં રહેતા હૃદયની બિમારીના આધેડ કોરોનામાં સપડાયા છે. વાસણ ગામની મહિલા, વલાદ ગામનો આધેડ અન્ય બિમારીના કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ હોવાથી ચેપગ્રસ્ત થયા છે. તો પલિયડ સાર્વજનિક હોસ્પિટલના ડોકટર અને નર્સ સંક્રમિત થયા છે. કલોલના દિવ્યપ્રકાશ ફલેટમાં રહેતી ૪૮ વર્ષીય મહિલાને છેલ્લા બે દીવસથી તાવ અને ગળામાં તકલીફ રહેવાના કારણે ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. 

પલિયડ સાર્વજનિક હોસ્પિટલના ડોક્ટર અને નર્સ કોરોના સંક્રમિત

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા પલિયડ ગામની સાર્વજનિક હોસ્પિટલમાં ફરજ નિભાવતાં ડોક્ટર અમદાવાદથી આવે છે. તેમને છેલ્લા ઘણા દિવસથી ગળામાં તકલીફ રહેતાં ગઇકાલે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ હોસ્પિટલની સ્ટાફ નર્સને પણ કોરોના લક્ષણ હોવાના પગલે તેણીનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આજે બંને ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગના સુત્રોના મતે અમદાવાદથી ડોક્ટર પલિયડ હોસ્પિટલમાં દરરોજ આવતાં હતા. જેના કારણે આ નર્સને પણ સંક્રમણ થયું છે. તો સાથી કર્મચારીઓ ઉપરાંત નર્સ અને ડોક્ટરના સંપર્કનું લીસ્ટ કલોલ આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. જેમને કવોરેન્ટાઇન કરવામાં આવશે.

સેક્ટર-૨૬ કિસાનગરના ૬૫ વર્ષિય વૃદ્ધ પોઝિટિવ

ગાંધીનગર શહેરમાં પણ ચેપ હવે ઝડપથી ફેલાઇ રહ્યો છે ત્યારે ગાંધીનગર સિવિલમાં અન્ય બિમારીની દવા લેવા ગયેલાં વૃદ્ધ પણ કોરોનાનો ચેપ લઇને આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર શહેરના સેક્ટર-૨૬ કિસાનગરમાં રહેતાં ૬૫ વર્ષિય વૃદ્ધ ગત તા.૨૬મી મેના રોજ ડાયાબીટીસી અને હાઇપરટેશન સહિતની બીનચેપી બિમારીઓની દવા લેવા ગાંધીનગર સિવિલમાં ગયા હતા. ત્યારબાદ છેલ્લા બે દિવસથી તાવ સહિતની તકલીફ રહેતાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધના સંપર્કમાં આવેલા તેના ઘરના છ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

કલોલ માર્કેટમાં પુજાપાની દુકાન ધરાવતાં ૪૦ વર્ષિય વેપારી સંક્રમિત

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર અને તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી સઘન કરી દેવામાં આવી છે. ટેસ્ટીંગ પણ આ વિસ્તારમાં વધારી દેવામાં આવ્યું છે. જેના કારણે પોઝિટિવ દર્દીઓ શહેર અને તાલુકામાંથી વધી રહ્યાં છે. સ્થાનિક આરોગ્ય તંત્રના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કલોલમાં અન્ડર બ્રીજ પાસે આવેલા મેમણ માર્કેટમાં પુજાપાની દુકાન ધરાવતાં ૪૦ વર્ષિય વેપારી લોકડાઉન પુરુ થયા બાદ સમય મર્યાદામાં દુકાન ખોલતાં હતા. તે દરમિયાન તેઓ ઘણા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે બે દિવસથી તાવની સમસ્યા રહેવાના પગલે ગઇકાલે આ વેપારીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. આ વેપારીના ઘરના બે સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

અંતિમ વિધિમાંથી આવ્યા બાદ કલોલ ગાયના ટેકરા વિસ્તારના ત્રણ પોઝિટિવ

કલોલમાં આવેલા ગાયના ટેકરા વિસ્તારમાં રહેતા ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્થાનિક આરોગ્ય તંત્રના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ ત્રણેય સભ્યો થોડા દિવસ અગાઉ અંતિમવિધિમાં ગયા હતા. જયાં અન્ય વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવ્યા હતા. તો આ ત્રણેય સભ્યો જયાં રહે છે તે વિસ્તાર પણ અગાઉ આવેલા પોઝિટિવ દર્દીના નજીકનો હોવાથી તેનો પણ ચેપ લાગ્યો હોવાની શક્યતાઓ રહેલી છે. અંતિમવિધિમાંથી પરત આવ્યા બાદ છેલ્લા બે દિવસથી તાવ, કફની બિમારીને પગલે કલોલ અર્બન સેન્ટરમાં તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેય પોઝિટિવ દર્દીઓને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે પપ વર્ષીય મહિલા નગરપાલિકામાં સફાઈ કામદાર છે જયારે ૩૩ વર્ષીય યુવાન સ્થાનિક રીક્ષા ચલાવે છે તો ૩૮ વર્ષીય યુવાન બોર ઓપરેટર હોવાનું સામે આવી રહયું છે. આ ત્રણેય પોઝિટિવ દર્દીઓ સુપર સ્પ્રેડર હોવાના કારણે સ્થાનિક તંત્ર સતર્ક થઈ ગયું છે.

બોરીજમાં રહેતી આશાવર્કર બહેન કોરોનામાં સપડાઇ

આરોગ્યની સેવાઓ કથળે નહીં તે માટે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કોરોનાની મહામારીમાં પણ કામ કરી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સહિતની અન્ય સેવાઓ પુરી પાડતી આશા બહેન કોરોનામાં સપડાઇ છે. કોર્પોરેશનના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર મહાનગરપાલિકાના બોરીજ ગામના ઠાકોરવાસમાં રહેતી આશાવર્કર બહેન સ્થાનિક મલ્ટીપરપઝ હેલ્થ વર્કરના સંપર્કમાં આવી હોવાના કારણે ચેપગ્રસ્ત થઇ હતી. ગઇકાલે આ ૪૫ વર્ષિય આશાવર્કર બહેનનો રીપોર્ટ કરાવતાં તે આજે પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ મહિલાના ઘરના ચાર સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન કરાયાં છે.

કલોલમાં વધુ એક આધેડનો કોરોનાગ્રસ્ત

કલોલ શહેરમાં આવેલા વર્ધમાન નગરમાં રહેતા ૫૦ વર્ષિય આધેડને તાવ અને કફની તકલીફ થતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે આધેડમાં કોરોના વાયરસના પણ લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગાંધીનગર ખાતે સારવાર માટે ખસેડાયા છે. તેમજ પરિવારના ચાર સભ્યોને ફેસેલિટી કવોરેન્ટાઇન કરાયા છે. તેમજ આસપાસમાં રહેતા ૧૦૦થી પણ વધારે લોકોને હોમ કવોરેન્ટાઇન કરાયા છે.

માણસાના આધેડ ચેપીઃએન્જીયોગ્રાફી કરાવવા અમદાવાદ સિવિલ ગયા હતા

ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં વ્યક્તિ અમદાવાદ સિવિલ સંકુલમાં જાય છે તો કોરોના ચેપગ્રસ્ત થઇને આવે છે. અગાઉ ગાંધીનગર શહેર અને જિલ્લાના ઘણા બધા દર્દીઓ આવી રીતે કોરોના પોઝિટિવ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે માણસામાં પણ આવો જ  કિસ્સો બન્યો છે. સ્થાનિક સુત્રોના મતે માણસામાં વિજય ટાવર વિસ્તારમાં રહેતાં ૫૧ વર્ષિય આધેડની હૃદયની બિમારીના કારણે તા.૨૧ મેના રોજ અમદાવાદ સિવિલ સંકુલ સ્થિત યુએનમહેતા હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જો કે તેના બીજા જ દિવસે તેઓ માણસા ઘરે પરત આવી ગયા હતા પરંતુ છેલ્લા બે દિવસથી તાવ, શરદી સહિતની તકલીફ રહેતાં ગઇકાલે માણસા ખાતે તેમને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. આ પોઝિટિવ દર્દીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઘરના નવ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કર્યાં છે.

ગાંઠના ઓપરેશન પુર્વે ટેસ્ટ કરાયો  તો વાસણની મહિલાનો રીપોર્ટ પોઝિટિવ

આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર તાલુકાના વાસણ ગામમાં રહેતી ૩૦ વર્ષિય મહિલાના પેટમાં ગાંઠ હોવાના કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં ગાંઠના ઓપરેશન પુર્વે અન્ય રીપોર્ટની સાથે કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. આ મહિલાનું વાસણ ગામમાં સાસરુ છે જ્યારે છેલ્લા ઘણા સમયથી તેણી પેથાપુર પીયરમાં રહેતી હોવાનું ઘરના સભ્યો જણાવી રહ્યાં છે. જેથી પીયરના સભ્યોને કવોરેન્ટાઇન કરવામાં આવશે તેમ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.

અમદાવાદથી બાલવા આવ્યા બાદ પતિ-પત્નિ કોરોના પોઝિટિવ

ગુજરાતના હોટ સ્પોટ એવા અમદાવાદમાં હજુ પણ દરરોજના ૩૦૦ જેટલા પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યાં છે ત્યારે અમદાવાદના કારણે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી થઇ રહ્યું છે. તા.૨૮મીએ અમદાવાદ થી બાલવા આવેલાં વૃદ્ધ પતિ-પત્નિને તાવ સહિતની તકલીફ ઉભી થઇ હતી. જેના કારણે આ બંનેનો ટેસ્ટ સોજા આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. સ્થાનિક તંત્રએ સાવચેતીના ભાગરૂપે બાલવામાં રહેતાં ઘરના સાત સભ્યોને કવોરેન્ટાઇન કર્યા છે. જો કે આ બંને કેસ અમદાવાદ કોર્પોરેશનમાં ગણવામાં આવશે તેમ આરોગ્ય વિભાગનો દાવો છે.

વલાદના પ૪ વર્ષિય આધેડ કોરોનાગ્રસ્તઃસોલામાં દાખલ

ગાંધીનગર તાલુકાના વલાદ ગામમાં રહેતાં ૫૫ વર્ષિય પુરુષને પેટની બિમારી હતી. જેના કારણે તેમને અગાઉ તા.૧૯મી મેના રોજ નરોડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તે દરમિયાન તેમણે કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું આરોગ્ય તંત્ર અનુમાન લગાવી રહ્યું છે કારણ કે ત્યારબાદ આ આધેડની તબીયત લથડી અને તાવ સહિતની તકલીફ તેમને થઇ હતી. ત્યાં ટેસ્ટ કરાવતાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ આ આધેડને સોલા સિવિલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

Tags :