ઇલેક્ટ્રિક ટુ વ્હિલર ખરીદનાર વિદ્યાર્થીઓને 12,000 સહાય
- ગુજરાત કલાઇમેટ ચેન્જના પડકારોને પાર પાડવા સંકલ્પબદ્ધ
- ઇલેક્ટ્રિક રિક્ષાની ખરીદી કરનારાઓને રૂા. 48,000ની નાણાં સહાય આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 17 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર
નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતું વાયુ પ્રદૂષણ અટકાવવા ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ કરનારાઓને રૂા. 12000ની સહાય આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જાહેરાત કરી છે.
બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગ માટે સહાય યોજના જાહેર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 1ર હજારની સહાય અને ઇલેકટ્રીક રિક્ષા માટે રૂ. 48000ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કલાયમેન્ટ ચેન્જ વિભાગની એક દશકની કામગીરી-ભાવિ રોડ મેપના દસ્તાવેજ પુસ્તક-કોમ્પોડીયમનું ઈ લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગ વધુ પ્રમાણમા ંલોકો કરતાં થાય તે માટે ઉપરોક્ત યોજના જાહેર કરવામાં આવી છે.
આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર 1ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.
એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે.
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી રૂપે રાજ્યમાં પાંચ વિકાસ યોજનાઓની પંચશીલ ભેટ તરીકે આ પર્યાવરણપ્રિય ભેટ રાજ્યના નાગરિકોને આપી હતી.
વાહનોના ચાર્જિંગ સ્ટેશન માટે પણ સહાય યોજના
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૂવાર
બેટરી સંચાલિત વાહનોના ચાજગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને ગુજરાત ગેસ સાથે સીએનજી જેવા સ્વચ્છ ઇંધણનો વાહન વ્યવહારમાં ઉપયોગ વધારવા પ્રયાસ કરાયા હતા.