Updated: May 26th, 2023
વડોદરા,તા.26 મે 2023,શુક્રવાર
રાજકારણની ખર્ચાળ જિંદગીને પહોંચી વળવા કાકાએ ભત્રીજા પાસેથી ટુકડે ટુકડે રૂ.13.81 લાખની રકમ લીધા બાદ તે પરત અંગેનો 12.85 લાખના ચેક રિટર્નનો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે ફરિયાદ પક્ષની દલીલોને ગ્રાહી રાખી આરોપીને આ કેસમાં કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા સાથે 12.85 લાખનો દંડ તેમજ દંડની રકમમાંથી 12.84 લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે.
ઉંડેરા વિસ્તારમાં રહેતા ફરિયાદી ગૌરાંગ હનુમાનભાઈ પટેલ ખેતી કામ સાથે સંકળાયેલ છે. ગામમાં જ રહેતા તેમના કાકી દીપીક્ષાબેન પટેલએ ઉંડેરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટણી લડી જીત મેળવી હતી. તેમજ કાકા તેજસ મનુભાઈ પટેલ અગાઉ તાલુકા પંચાયતની ચૂંટણી લડી જીતેલા છે. જેથી કાકા તેજસ મનુભાઈ પટેલની જિંદગી ખૂબ ખર્ચાળ હોય તે ખર્ચને પહોંચી વળવા ફરિયાદી ગૌરાંગ અવારનવાર નાણાની મદદ લેતા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે, અંગત જરૂરિયાત માટે સહિતના કારણોસર ટુકડે ટુકડે 13.41 લાખની રકમ કાકાએ ભત્રીજા ગૌરાંગ પાસેથી ઉછીની લીધી હતી. જે બાકી રકમ પેટેનો 12.85 લાખનો ચેક રિટર્ન થતા ધી નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબ કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી આર.ટી. ઝાલા અને આરોપી પક્ષ તરફે ધારાશાસ્ત્રી એમ.એફ. પઢિયારએ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ 16 માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જૈમીન અશોકભાઈ પટેલએ નોંધ્યું હતું કે, આ પ્રકારના ગુનાઓમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેના ઉપર અંકુશ જરૂરી છે. સમાજમાં દાખલો બેસે લોકોનું બેન્કિંગ વ્યવસ્થામાં વિશ્વાસ ટકી રહે તે માટે આરોપીને ચોક્કસપણે સજા કરવી જોઈએ તેમ અદાલતનું માનવું છે. કારણ કે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત અનુસાર કાયદો ઘડવા પાછળનો લેજીસ્લેચરનો ઇરાદો કાયદાને અસરકારક બનાવવાની મુખ્ય ફરજો અદાલતોની છે. જો તે મુજબ ન કરવામાં આવે તો લોકોનું બેન્કિંગ વ્યવસ્થામાં વિશ્વાસ ઉઠી જશે. અને લોકો ચેકોનો બેફામ દુરુપયોગ કરતા અચકાશે નહીં જેના કારણે ભારતીય અર્થતંત્ર કે જે વિકાસશીલ અર્થતંત્ર છે તેને નુકસાન થાય તેમ છે.