અમદાવાદ
ડિપ્લોમા
ઈજનેરીમાં આ વર્ષે પ્રથમવાર ધો.૧૦ના ગ્રેસિંગ પાસ ૧૧૧૩ વિદ્યાર્થીના પ્રવેશ થયા
છે.ડિપ્લોમા ઈજનેરીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને પ્રવેશ પ્રક્રિયાને
અંતે ખાનગી કોલેજોમાં ૧૪ હજાર જેટલી અને સરકારી-ગ્રાન્ટેડ કોલેજોમાં ૫ હજાર જેટલી બેઠકો
ખાલી રહી છે.
ધો.૧૦ની
બોર્ડ પરીક્ષા રદ કરાતા આ વર્ષે માસ પ્રમોશન આપવામા આવ્યુ હતુ અને જેમાં દોઢ લાખ
જેટલા વિદ્યાર્થીઓ ગ્રેસિંગથી પાસ થયા છે.ડિપ્લોમા ઈજનેરીમાં ગ્રેસિંગ સાથે ૩૫ ટકા
લાવનારને પ્રવેશ ન અપાતો હોય તેઓને પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરાયા ન હતા હતા
પરંતુ ઉગ્ર માંગણીને પગલે સરકારે દિવાળી બાદ મોડે મોડે ગ્રેસિંગ પાસને પણ પ્રવેશની
છુટ અપાઈ હતી.જો કે ઘણી ખાનગી કોલેજોએ પહેલેથી ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓના
ડોક્યુમેન્ટ લઈને પોતાની રીતે પ્રવેશ કરી દીધા હતા અને સરકારની મંજૂરી મળતા પ્રવેશ
સમિતિમાં વિદ્યાર્થીઓના એન્ડોર્સમેન્ટ મુકી દીધા હતા.સરકારી અને ગ્રાન્ટેડ
કોલેજોમાં ૨૯૫ જેટલા ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા છે ,જ્યારે
સરકારી કોલેજોમાં ૮૦૦થી વધુ ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા છે.
કુલ મળીને આ
વર્ષે પ્રથમવાર ધો.૧૦ના ગ્રેસિંગથી પાસ ૧૧૧૩ વિદ્યાર્થીના ડિપ્લોમામાં પ્રવેશ થયા
છે.સરકારે જો પહેલેથી ગ્રેસિંગ પાસને મંજૂરી આપી હોત ૩થી૪ હજાર જેટલા
વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ શક્યા હોત અને વધુ બેઠકો ભરાત તેમજ વિદ્યાર્થીઓ પણ
અધવચ્ચેથી ભણવાનું છોડીને ગયા ન હોત.ડિપ્લોમાની પ્રવેશ પ્રક્રિયાને અંતે હજુ પણ ૨૦
હજાર જેટલી બેઠકો ખાલી છે.જેમાં સરકારી કોલેજોમાં પાંચ હજાર જેટલી અને ખાનગી
કોલેજોમાં ૧૪ હજારથી વધુ બેઠકો ખાલી પડી છે.ગત વર્ષે ખાનગી કોેલજોની ૬૫થી૭૦ ટકા
અને આ વર્ષે ૭૫ ટકાથી વધુ બેઠકો ભરાઈ છે.ગત વર્ષે એકંદરે ૫૭ ટકા બેઠકો ભરાઈ હતી
ત્યારે આ વર્ષે ૬૨ ટકાથી વધુ બેઠકો ભરાઈ છે.


