માસ્ક ન પહેરનારાંઓ પાસેથી 1000 દંડ વસૂલો : હાઇકોર્ટ
- કોરોનાના સુઓમોટોમાં ગુજરાત સરકારને સૂચન
- વધારે દંડથી લોકો નારાજ થશે તેવી ચિંતા કર્યા વગર સરકાર લોકોના સ્વાસ્થયની ચિંતા કરે : ટકોર
અમદાવાદ, તા. 24 જુલાઇ, 2020, શુક્રવાર
ગુજરાતમાં કોરોનાની મહામારી અંગે હાઇકોર્ટે સુઓમોટોમાં હાઇકોર્ટે આજે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે ઘણાં લોકોમાં માસ્ક ન પહેરવાની ટેવ છે. લોકો આ બાબતને ગંભીરતાથી લે તે માટે માસ્ક ન પહેરનારાં લોકો પાસેથી સરકારે એક હજાર રૂપિયાનો દંડ લેવો જોઇએ. પ્રજાને આ નિર્ણય કડક લાગશે પરંતુ લોકોનાં સ્વાસ્થય અને સુખાકારી માટે આ નિર્ણય જરૂરી છે.
આવાં નિર્ણયથી લોકો નારાજ થશે તેની દરકાર કર્યા વગર સરારે આવો નિર્ણય લેવો જોઇએ. કોરોના અંગેના સુઓમોટોની સુનાવણી આજે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ યોજાઇ હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે માસ્ક ન પહેરનારાં લોકોની બેદરકારીના કારણે ચેપ વધી રહ્યો છે.
રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે લોકો માસ્ક પહેરતાં થાય તે માટે અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં માસ્ક ન પહેરનારાં લોકો પાસેથી રૂપિયા 500 તેમજ અન્ય શહેરોમાં રૂપિયા 200 દંડ તરીકે વસૂલવામાં આવે છે. જેથી કોર્ટે સરકારને સૂચન કર્યુ હતું કે લોકો માસ્ક પહેરવાની આદતને ગંભીરતાથી લે તે માટે દંડની રકમ વધારી એક હજાર રૂપિયા કરી દેવી જોઇએ.
માસ્ક પહેરવાથી સંક્રમણ અટકે છે તેવી સ્વાસ્થય નિષ્ણાતોનો અભિપ્રાય છે તેો દંડ બાબતે પણ સ્પષ્ટ અને કડક નિયમો બનાવવામાં આવે. આ ઉપરાંત જે શહેરોમાં સંક્રમણ વધારે છે તે વિસ્તારોમાં બહારથી આવતાં લોકોને અટકાવવા જોઇએ. જેથી આ વિસ્તારોમાં સંક્રમણ અટકે અને કેસો પણ ઘટે.
ટોસિલિઝુમેબના કાળાબજાર સામે કડક પગલાં લેવા આદેશ
કોરોનાના કારણે ગંભીર પરિસ્થિતિમાં પહોંચેલા દર્દીઓને બચાવવામાં કારગત મનાતા ઇન્જેક્શન ટોસિલિઝુમેબના ઇન્જેક્શનમાં સબસિડી તેમજ આ ઇન્જેક્શનના કાળાબજાર સામે થયેલી પિટિશનમાં હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે આ ઇન્જેક્શનના કાળાબજાર સામે કડક કાર્યવાહીની જરૂર છે.
આ ઉપરાંત ઇન્જેક્શનનું કાળાબજાર ન થઇ શકે તે માટે એક સેન્ટ્રલાઇઝડ સિસ્ટમ દ્વારા તેનું ખરીદ-વેચાણ અને સપ્લાય થાય તે જરૂરી છે. આ ઉપરાંત ઇન્જેક્શન અંગેની તમામ જવાબદારી એક જ સત્તામંડળ પાસે રહેવી જોઇએ. પિટિશનના અરજદાર તરફથી આજે એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે સરકારે આ ઇન્જેક્શન અંગે રજૂ કરેલા આંકડા સાચા નથી,
આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ટોસિલિઝુમેબના ચોક્કસ અને સ્પષ્ટ આંકડાઓ દર્શાવ્યા નથી. આ ઇન્જેક્શન તાત્કાલિકપણે મળવું જરૂરી છે, પરંતુ તે મેળવવાની પ્રક્રિયા બહુ લાંબી છે. નિયત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી લઇ કમિટીની મંજૂરી મેળવવામાં બે દિવસ જેટલો સમય લાગી જાય છે.
જૂની વી.એસ. ફરી શરૂ કરવાની રિટમાં મ્યુનિ.ને નોટિસ
જૂની વી.એસ. હોસ્પિટલને તેની સંપૂર્મ ક્ષમતા એટલે કે 1100 બેડની ક્ષમતા સાથે ફરી શરૂ કરવાની માગણી સાથે થયેલી રિટમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા કરવામાં આવેલી આ રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાની મહામારીના કારણે સરકાર સમગ્ર સંસાધનો અને પ્રયાસો કોરોનાને ખાળવાની દિશામાં કરી રહી છે, પરંતુ કોરોના સિવાયના ઘણાં ગંભીર રોગોથી લોકો પીડાઇ રહ્યા છે.
8મી જૂને કોર્પોરેશને કોરોના અંગેના સુઓમોટોમાં સોગંદનામા પર એવો રિપોર્ટ રજૂ કર્યો હતો કે જૂની વી.એસ. હોસ્પિટલ અને ચિનાઇ પ્રસુતિ ગૃહની અડધી ક્ષમતા સાથે એટલે કે 500 બેડ કાર્યરત રાખી ત્યાં કોરોના સિવાયના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
એક તરફ કોર્પોરેશન કોર્ટમાં આવો એકરાર કરી રહી છે તેનાં થોડા દિવસો બાદ એક સગર્ભાને વી.એસ. હોસ્પિટલમાં સારવાર આપવાની ના કહેવામાં આવી હતી. અત્યારે પ્રસુતિની સારવાર ઉપલબ્ધ ન હોવાનું કહી મહિલાને આશરે 45 મિનિટ રઝળાવવામાં આવી હતી. જેના કારણે તે મહિલા અને તેના ગર્ભમાં રહેલાં જો ડિયા બાળકો મૃત્યુ પામ્યા હતા.