૧૭ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કરનારને ૧૦ વર્ષની કેદ
સ્કૂલેથી જ સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો
વડોદરા,તા,5,ફેબ્રુઆરી,2020,બુધવાર
૧૭ વર્ષની કિશોરી સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી સ્કૂલેથી ભગાડી જઈ શારીરિક સંબંધ બાંધનાર યુવકને અદાલતે ૧૦ વર્ષની સખત કેદ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ગોરવા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીને ગત તા.૩-૧૨-૨૦૧૫ ના રોજ તેના પિતા સ્કૂલે છોડવા ગયા હતા. પુત્રીને સ્કૂલે ઉતારીને પિતા ઘરે આવી ગયા હતા. પિતા સાંજે પુત્રીનો સ્કુલે લેવા ગયા હતા. પરંતુ તેમની પુત્રી મળી આવી ન હતી. પિતાએ ઘરે પરત આવીને પત્ની અને પાડોશીને પૂછ્યું હતુ. પરંતુ તેમની પુત્રીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન પિતાને જાણ થઈ હતી કે તેમની પુત્રી સાથે રાહુલ સંબંધ રાખતો હતો. રાહુલના ઘરે તપાસ કરતા તે પણ ઘરે મળી આવ્યો ન હતો. જે અંગે કિશોરીના પિતાએ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ ગુનામાં આરોપી રાહુલ ઉર્ફે દાદુ કંચનભાઈ પાટણવાડિયા (રહે. વેગા નવીનગરી તા. ડભોઈ, જિ.વડોદરા) અને રાહુલને મદદ કરનાર મણીલાલ બાબુભાઈ વસાવા (રહે. પ્રતાપનગર ગામ, તા.રાજપીપળા જિ.નર્મદા)ની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સરકારી વકીલ એચ.આર.જોશીની રજૂઆતો અને પુરાવાને ધ્યાને લઈ ન્યાયાધીશ કે.એમ. સોજીત્રાએ આરોપી રાહુલને ૧૦ વર્ષની સખત કેદ અને ૧૩ હજાર રૃપિયાનો દંડ કર્યો હતો. જ્યારે મણીલાલને પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યો હતો.