'બજેટમાં રાખવામાં આવેલો ૧૦ટકા જીડીપી ગ્રોથ વાસ્તવિક દ્રષ્ટિએ અસંભવ છે'
શહેરના નિષ્ણાંતોએ બજેટનું વિશ્લેષણ કરતા કહ્યું
ભવિષ્યમાં નાણાકીય ખાધ વધશે તે નક્કી છે
વડોદરા, તા.1 ફેબ્રઆરી 2020, શનિવાર
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક વગેરે ભારતના જીડીપીને ૫થી ૬ ટકાની રેન્જમાં મૂકે છે. જ્યારે આજના બજેટમાં ૧૦ ટકા જીડીપી ગ્રોથ નક્કી કરવામાં આવ્યો છે. જેનાંથી નાણાકીય ખાધ વધુ થશે એ નક્કી છે. ભારત માટે ૧૦ ટકા જીડીપી ર્ગોથ રેટ વાસ્તવિક દ્રષ્ટિએ તો અસંભવ જ છે, એમ ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા વડોદરા ચેપ્ટરના સભ્ય વિશાલ દોશીનું કહેવું છે.
માઈક્રો પ્લાનિંગથી બજેટ તૈયાર કરાતા દરેક ક્ષેત્રને મહત્વ અપાયું
ગત વર્ષ કરતા આ વર્ષના બજેટ માટે ગ્રાઉન્ડ લેવલથી અવલોકન કરાયું છે અને ત્યારબાદ માઈક્રો પ્લાનિંગથી બજેટને તૈયાર કરાયું છે. આ વર્ષના બજેટમાં દરેક ક્ષેત્ર જેવા કે ખેતી, હેલ્થ, એજ્યુકેશન, ઉદ્યોગો, આયાત-નિકાસ દરેકને મહત્વ આપવામાં આવ્યું છે, એમ ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા વડોદરા ચેપ્ટરના પ્રમુખ કૃણાલ બ્રહ્મભટ્ટનું કહેવું છે.
છોકરીઓની લગ્નની ઉંમર વધારવાનો સારો વિચાર
સીએ રાહુલ અગ્રવાલે કહ્યું કે, બજેટમાં સ્ત્રી સશક્તિકરણ વિશે પણ ધ્યાન આપવામાં આવ્યું છે. ગામડાઓમાં સ્ત્રીઓને રોજગારી મળી રહે તે હેતુથી સીડબોલ બનાવીને ખેડૂતોને વેંચવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જ્યારે છોકરીઓનું ભણતર ન બગડે તે હેતુથી તેના લગ્નની વય ૧૮ રાખવામાં આવી છે તેના પર વિચાર કરાશે. હજુ ૬ મહિના સુધી વિચાર કર્યા બાદ ૧૮ વર્ષથી વધુ વય રાખવાનો નિર્ણય લેવાશે.ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા વડોદરા ચેપ્ટરના ઉપપ્રમુખ વિનોદ પહેલવાનીનું કહેવું છે.
ટ્રસ્ટો દ્વારા ડોનેશનની વિગતો સાથે પત્રક ભરવું પડશે
આવકવેરાના કાયદામાં નાના કરદાતાઓ માટે ટેક્સના દરોમાં જે રાહત આપી છે તે આવકાર્ય છે. ટેક્સ ઓડિટની મર્યાદા ૧ કરોડથી ૫ કરોડના ટર્નઓવરની કરી છે જેમાં ફક્ત ૫ટકાથી વધુ રોકડ આવક અથવા વેંચાણ કે ખર્ચ ન હોવા જોઈએ એ શરત પણ રાખી છે. ટ્રસ્ટ માટે મળનારા ડોનેશન માટે હવે ટ્રસ્ટો દ્વારા ડોનેશનની વિગત માટે પત્રક ભરવાનું રહેશે. જો આમ કરશે તો જ ડોનેશન આપનારને ડિડક્શન મળશે. જો પત્રક નહીં ભરે તો દંડની જોગવાઈ રાખી છે. સ્ટાર્ટઅપ કંપનીઓને મળતી કર રાહતમાં હવે ૭ વર્ષને બદલે ૧૦ વર્ષ સુધી રાહત મળશે. કંપનીઓને હાલમાં ડીવીડન્ડ ઉપર ડીવીડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્સનું ભારણ હતું આ ટેક્સ નાબુદ કરેલો છે. આવકવેરાના કાયદામાં વિવાદ સે વિશ્વાસ યોજના ૪.૮૩ લાખ વિવાદિત કેસોના નિકાલમાં ઉપયોગી થશે. તેમ સીએ મનીષ બક્ષીનું કહેવું છે.