જૈન ધર્મની છબીને નુકસાન કરવાના આક્ષેપ સાથે શાહ બંધુઓ વિરૂધ્ધ રૂ.10 કરોડની માનહાનિનો દાવો
- દેરાસરના ટ્રસ્ટી વસંત શાહ ફેસબુક એકાઉન્ટના ધરાવતા હોવા છતા તેમના નામનું ખોટું એકાઉન્ટ બનાવી બદનક્ષીભરી પોસ્ટ વાયરલ કરતા હોવાના આક્ષેપ
વડોદરા, તા. 23 ઓકટોબર 2019, ગુરૂવાર
શ્રી આદેશ્વર ભગવાન દેરાસર ટ્રસ્ટ, વાડી રંગમહાલના ટ્રસ્ટી વસંત શાહની તેમજ જૈન ધર્મની છબીને નુકસાન થાય તેવા મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર જૈન સમાજના જ મોહિત અને સાગર શાહ સામે વડોદરાની કોર્ટમાં દસ કરોડ રૃપિયાનો બદનક્ષીનો દાવો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ઉપરોક્ત જૈન સંસ્થાના ટ્રસ્ટી તરીકે વસંત ચંદુલાલ શાહની નિમણૂક મોહિત જશવંત શાહ અને સાગર જશવંત શાહ નામના બે ભાઈઓેને પસંદ ના હોવાથી બંનેએ વસંત શાહ અને જૈન ધર્મ વિરુધ્ધ પ્રચાર શરૃ કર્યો હતો. વસંત શાહે પોતાના ધારાશાસ્ત્રી દ્વારા કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે બંને ભાઇઓ સતત વસંત શાહ અને જૈન ધર્મને કોઇને કોઇ ખોટા કારણે બદનામ કરવાના પ્રયત્નો કરે છે.
બંને ભાઇઓએ મે માસમાં સોશિયલ મીડિયામાં લેખો વાયરલ કર્યા હતાં. વસંત શાહ ફેસબુક એકાઉન્ટ ધરાવતા નહી હોવા છતાં બંને ભાઇઓએ વસંત શાહના નામનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવી તેના પર બદનક્ષીભર્યા લખાણો પોસ્ટ કર્યા હતા. આ અંગે બંને ભાઇઓને જે તે સમયે લીગલ નોટિસ અપાઈ હતી પરંતુ તે પછી પણ બંનેએ ે સમાજમાં બદનક્ષી ચાલુ રાખતા આખરે વડોદરાના પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટમાં રૃા.૧૦ કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. આ દાવાના પગલે કોર્ટે બંને સામે નોટિસ કાઢવાનો હૂકમ કર્યો છે.