ફિશ પેડીક્યોરથી થઈ શકે છે નુકસાન, ખાસ ધ્યાન રાખો આ 5 વાતોનું
નવી દિલ્હી, 13 જુલાઈ 2019, શનિવાર
પગની સુંદરતા વધારવા માટે મહિલાઓ અનેક ઉપાયો કરે છે. પગની ટેનિંગને દૂર કરવા બ્લીચ, પેડીક્યોર જેવી ટ્રીટમેન્ટ કરાવવાની સાથે આજકાલ ફિશ પેડીક્યોરનું ચલણ પણ વધ્યું છે. ફિશ પેડીક્યોર એક થેરાપી છે જેમાં નાની નાની માછલીઓ પગની ડેડ સ્કીનને અલગ કરી ખાઈ જાય છે. ખાસ વાત એ પણ છે કે આ થેરાપી પર વધારે ખર્ચ પણ કરવો પડતો નથી. પરંતુ આ થેરાપી કરાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
ફિશ પેડીક્યોરના લાભ
1. ફિશ પેડીક્યોર કરાવવાથી પગની ત્વચા મુલાયમ થઈ જાય છે.
2. પગનો દુખાવો પણ ફિશ પેડીક્યોરથી દૂર થાય છે.
3. એક્ઝિમા અને સોરાયસિસ જેવી બીમારીઓમાં આ થેરાપી લાભ કરે છે.
4. પેડીક્યોરમાં જે માછલીઓનો ઉપયોગ થાય છે તે ડેડસ્કીન દૂર કરી રક્તપ્રવાહને વધારે છે.
5. ડેડસ્કીન દૂર થઈ જવાથી પગની ત્વચા સુંદર અને ગ્લોઈંગ થાય છે.
ફિશ પેડીક્યોરથી થતા નુકસાન
ફિશ પેડીક્યોર ત્યારે જ લાભ કરે છે જ્યારે તેમાં સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવે. પાર્લર કે મોલ્સ જેવી જગ્યાઓએ એક જ ટબમાં માછલીઓ રાખેલી હોય છે જેનો ઉપયોગ એક કરતાં વધારે લોકો કરતાં હોય છે. આ રીત તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. ફિશ પેડીક્યોરમાં માત્ર ગારા રુફા નામની માછલીનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પેડીક્યોર તે માછલીથી જ થતું હોય. ઘણીવાર આ ટબનું પાણી દિવસો સુધી બદલવામાં આવતું નથી. આવી સ્થિતીમાં પેડીક્યોર કરાવવું હાનિકારક સાબિત થઈ શકે છે. તેનાથી ત્વચાને ચેપ લાગી શકે છે.
ફિશ પેડીક્યોર કરાવતી વખતે રાખો આ વાતોનું ધ્યાન
1. પગમાં ઘા હોય તો પેડીક્યોર ન કરાવવું. પગમાં ચીરા કે ઘા હશે તો ફિશ પેડીક્યોર દરમિયાન પગમાંથી લોહી નીકળવા લાગશે.
2. જો ફિશ પેડીક્યોર દરમિયાન પગમાંથી લોહી નીકળવા લાગે તો તુરંત થેરાપી કરાવવાનું બંધ કરી અને એંટીસેપ્ટિક દવા લઈ લેવી.
3. જો પહેલાથી જ કોઈ શારીરિક સમસ્યા હોય તો ફિશ પેડીક્યોર ન કરાવવું.
4. રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, ડાયાબિટીસ હોય તેમણે પણ ફિશ પેડીક્યોર કરાવવું નહીં.