નવી દિલ્હી, તા. 20 માર્ચ 2021, શનિવાર
વિશ્વભરમાં આજે 'વિશ્વ ચકલી દિવસ' મનાવવામાં આવી રહ્યો છે. આ દર વર્ષે 20 માર્ચે મનાવવામાં આવે છે. તેનો હેતુ આ પક્ષીના સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા ફેલાવે છે. છેલ્લા કેટલા વર્ષોથી આ ચકલીઓ ધીમે-ધીમે વિલુપ્ત થતી જઇ રહી છે.
એક સમય હતો જ્યારે આપણે દરરોજ સવારે ચકલીની ચહચહાહટ સાંભળીને ઉઠતા હતા પરંતુ આજે આ ચકલીઓનું અસ્તિત્ત્વ જોખમમાં છે. ચકલીની આ પરિસ્થિતિને જોતાં વર્ષ 2010થી વિશ્વભરમાં 'વિશ્વ ચકલી દિવસ' મનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ શાનદાર ચકલીનો ઇતિહાસ ક્રિકેટ સાથે પણ કનેક્ટેડ છે. જાણો, તેની પાછળનો રસપ્રદ કિસ્સો...
આ વાત વર્ષ 1936ની છે. જ્યારે આપણો દેશ આઝાદ પણ થયો ન હતો. વર્ષ 1936માં ઈંગ્લેન્ડના લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેરિલબોન ક્રિકેટ ક્લબ અને કેમ્બ્રિજ યૂનિવર્સિટી વચ્ચે એક ક્રિકેટ મેચ રમવામાં આવી રહી હતી. આ મેચમાં ભારતના જહાંગીર ખાન કેમ્બ્રિજ યૂનિવર્સિટી માટે રમી રહ્યા હતા. મેચ દરમિયાન જ્યારે જહાંગીર બૉલિંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક ચકલી બોલ સાથે અથડાઇ ગઇ. જહાંગીરના બૉલથી તે ચકલીને ઘણી ઇજા પહોંચી હતી અને થોડાક સમય પછી તેનું મૃત્યુ થઇ ગયું હતું, ત્યારબાદ આ ચકલીને તે બૉલની સાથે લૉર્ડ્સના મ્યૂઝિયમમાં રાખી દેવામાં આવી. જેને પછીથી 'સ્પેરો ઑફ લૉર્ડ્સ' નામ આપવામાં આવ્યું.
ભારતીય ટીમના સિલેક્ટર પણ રહ્યા જહાંગીર
ઉલ્લેખનીય છે કે આઝાદી પહેલા ભારત માટે ચાર ટેસ્ટ રમનાર જહાંગીર ખાન ભારતીય ટીમના પસંદકર્તા પણ રહ્યા હતા. જો કે, ભાગલા પડ્યા બાદ તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયા. પાકિસ્તાનમાં પણ તેનો ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા અને થોડાક સમય માટે ત્યાંની રાષ્ટ્રીય ટીમની પસંદગી પણ કરતા રહ્યા.


