Get The App

World Paper Bag Day 2020 : જાણો, પેપર બેગ ડે કેમ મનાવવામાં આવે છે?

- દર વર્ષે 12 જુલાઇના દિવસે વર્લ્ડ પેપર બેગ ડે મનાવવામાં આવે છે

Updated: Jul 12th, 2020

GS TEAM

Google News
Google News
World Paper Bag Day 2020 : જાણો, પેપર બેગ ડે કેમ મનાવવામાં આવે છે? 1 - image

નવી દિલ્હી, તા. 12 જુલાઇ 2020, રવિવાર 

વિશ્વભરમાં 12 જુલાઇના દિવસે 'પેપર બેગ ડે' મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો હેતુ પ્લાસ્ટિકના કચરાનો ઘટાડવામાં મદદ કરવા માટે પ્લાસ્ટિકની જગ્યાએ પેપર બેગનો ઉપયોગ કરવામાં જાગરૂકતા ફેલાવવાનો છે. પેપર બેગ હાનિકારક પ્લાસ્ટિકની થેલીઓની જગ્યાએ વપરાશમાં લઇ શકાય તેવો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ છે.

પ્લાસ્ટિકનું વિઘટન થવામાં હજારો વર્ષ વીતી જાય છે અને તે જીવ-જંતુઓ માટે પણ ઘણુ નુકશાનકારી છે. સમુદ્રમાં પ્લાસ્ટિકનો કચરો જમા થઇ રહ્યો છે, જેનાથી માછલીઓનું મૃત્યુ થઇ રહ્યુ છે. તેને લઇને ઘણીવાર વૈજ્ઞાનિકો દ્વારા ચેતાવણી આપવામાં આવી છે કે વર્ષ 2050 સુધીમાં સમુદ્રમાં માછલીઓ જેટલો જ પ્લાસ્ટિકનો કચરો જમા થઇ જશે. 

આજે સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના પ્રદૂષણથી પરેશાન છે. આ જ કારણે આ દિવસનું મહત્ત્વ વધી જાય છે. આ દિવસે મોટાભાગે લોકો પેપર બેગ દ્વારા જ વસ્તુઓની આપલે કરીને પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાના પ્રયત્નો કરતા હોય છે. આ દિવસે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળવા માટે લોકોને જાગરૂત કરવામાં આવે છે. 

અમેરિકાના ફ્રાન્સિસ વોલેએ વર્ષ 1852માં પ્રથમ પેપર બેગ મશીનની પેટન્ટ રજીસ્ટર કરાવી હતી. 'મધર ઑફ ધ ગ્રૉસરી બેગ' માર્ગરેટ ઇ નાઇટે વર્ષ 1870માં ચોરસ, ફ્લેટ બોટમ બેગ બનાવી અને તેમણે એક મશીન બનાવી જેનાથી આ પ્રકારની બેગ બનાવી શકાય છે. ત્યારબાદથી વિશ્વભરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવાની માંગણીને લઇને પ્રદર્શન કરવામાં આવ્યા અને લોકોએ પણ આ બાબતનું મહત્ત્વ સમજ્યું. 

હવે કેટલાય લોકોએ પ્લાસ્ટિકની જગ્યાએ પેપર બેગનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. જેનો ફરીથી ઉપયોગ કરવાની સાથે જ તેને રી-સાઇકલ પણ કરી શકાય છે. તે બાયોડિગ્રેડેબલ છે, તે પ્રમાણમાં વધારે વજન ઉઠાવી શકે છે અને તેને સાચવવું પણ સરળ હોય છે.

શું તમે પેપર બેગ વિશે આટલું જાણો છો? 

- પેપર બેગ 100 ટકા રી-સાઇકલ કરી શકાય છે અને તેનું માત્ર એક મહિનાની અંદર વિઘટન થઇ શકે છે. 

- એક પેપર બેગમાં લગભગ 10-14 જેટલો સામાન મુકી શકાય છે અને પેપર બેગ્સ ઘણી મજબૂત હોય છે. 

- પ્લાસ્ટિક બેગની સરખામણીમાં પેપર બેગ બનાવવામાં ઓછી ઊર્જા વપરાય છે. 

- પેપર બેગ પાલતૂ પ્રાણીઓ તેમજ અન્ય પશુઓ માટે પણ સુરક્ષીત હોય છે.    

- પેપર બેગનો ઉપયોગ ખાતર બનાવવા માટે પણ કરી શકાય છે. 

Tags :