World Music Day 2020 : જાણો, આ ખાસ દિવસનો ઇતિહાસ અને મહત્ત્વ
- સંગીત કોઇના એકલતાની મિત્રતા છે તો કોઇના માટેનું નવું સર્જન છે
- દર વર્ષે 21 જૂનના દિવસે વિશ્વ સંગીત દિવસ મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 21 જૂન 2020, રવિવાર
સંગીત શું છે? કોઇના માટે સાધન તો કોઇના માટે સાધના. કોઇના માટે આનંદ તો કોઇના માટે સમગ્ર જીવન. કપરાં સમયમાં કોઇના માટે જીવવાની હિંમત તો ખરાબ સમયમાં કોઇના માટે તાકાત અને રાહત. સંગીત કોઇના માટે નવું સર્જન છે તો કોઇના માટે અનુશાસન. સંગીત એક એવું માધ્યમ છે, જે આપણા જીવનમાં આપણી જરૂરત પૂરી કરે છે. સંગીત આપણા શરીરની કેટલીય બીમારીઓની સારવાર પણ કરે છે. સંગીતને જ ખાસ બનાવવા માટે આજનો દિવસ સંગીતને જ સમર્પિત દિવસ છે. આજે વિશ્વ સંગીત દિવસ છે. જાણો, આ દિવસની શરૂઆત કેવી રીતે થઇ, શું છે આ દિવસ પાછળનો ઇતિહાસ.
સંગીતનું મહત્ત્વ
દર વર્ષે 21 જૂનના દિવસે વિશ્વભરમાં સંગીત દિવસ મનાવવામાં આવે છે. સંજોગથી આ તારીખે યોગ દિવસ પણ મનાવવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર સંગીત પણ એક પ્રકારે યોગનો જ ભાગ માનવામાં આવે છે. સંગીત મનને શાંત કરીને ખુશી આપે છે. આપણા માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ ઠીક રાખે છે. સંગીત આપણા શરીરમાં હોર્મોનનું સંતુલન જાળવી રાખે છે. વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં સંગીત આપણને સુકૂન આપે છે. સંગીત એકલતામાં આપણું મિત્ર છે. ઘણીવાર જીવનમાં જ્યારે આપણે તણાવ અથવા ચિંતામાંથી પસાર થઇ રહ્યા હોઇએ છીએ ત્યારે સંગીત આપણને રાહત આપે છે અને ડિપ્રેશનમાં જવાથી બચાવી શકે છે. માનસિક શાંતિ માટે સંગીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
પ્રકૃતિનું સંગીત
આપણે કોઇ ગીત ન પણ સાંભળીએ તો સવારથી લઇને રાત સુધી પ્રકૃતિ આપણને તેનું મધૂર સંગીત તો રોજ સંભળાવે જ છે. સવારે પક્ષીઓનો કલરવ, વૃક્ષના પાંદડાઓનો સરસરાટ પ્રકૃતિનું સંગીત જ તો છે. દરિયા કિનારે મોજાની લહેરનો અવાજ, ઢળતી સાંજે પોતાના માળામાં પરત આવતા પક્ષીઓનો કલરવ, વરસાદમાં મોરના ટહૂકાનો અવાજ..
વિશ્વ સંગીત દિવસનો ઇતિહાસ
વિશ્વ સંગીત દિવસની શરૂઆત વર્ષ 1982માં આજના જ દિવસે ફ્રાન્સમાં થઇ હતી. સંગીત દિવસને વિશ્વમાં ફેટે ડી લા મ્યૂઝિક (Fête de la Musique) તરીકે ઓળખવામાં આવતો હતો. ફ્રાન્સમાં સંગીત માટે લોકોનું એટલું પાગલપન હતું કે તે સમયે ભૂતપૂર્વ સાંસ્કૃતિક મંત્રીએ સંગીત દિવસ મનાવવાનું જાહેર કરી દીધું હતું. આ ખાસ દિવસે વિશ્વભરના મોટા કલાકાર કાર્યક્રમનું આયોજન કરતા અને ગીત ગાતા અને પૈસા લીધા વગર પરફૉર્મ કરતા. આ ખાસ દિવસે વિશ્વભરમાં સંગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
પહેલા સંગીત દિવસના અવસરે ફ્રાન્સની સાથે 32થી વધારે દેશ સામેલ હતા. આ દેશોમાં અલગ-અલગ જગ્યાઓ પર સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આખી રાત લોકો દ્વારા જશ્ન મનાવવામાં આવ્યું છે. શરૂઆતમાં કેટલાક દેશોમાં સંગીત દિવસ મનાવવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ સંગીત માટે એક ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યું અને આ રીતે વિશ્વભરના ઘણા બધા દેશોએ 21 જૂનના દિવસે સંગીત દિવસ મનાવવાનું નક્કી કર્યુ અને ત્યારથી 21 જૂનને વિશ્વ સંગીત દિવસ તરીકે મનાવવા આવે છે.