World Day Against Child Labour 2020 : બાળમજૂરી નિષેધ દિવસનો હેતુ શું છે?
- જાણો, બાળમજૂરી પાછળનાં કારણો અને ભારતમાં તેની પરિસ્થિતિ વિશે
નવી દિલ્હી, તા. 12 જૂન 2020, શુક્રવાર
બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વનું ભવિષ્ય પણ બાળકો જ છે. પરંતુ આજના સમયમાં કેટલાય બાળકો છે જે શાળાએ જવા કે રમવા-કૂદવાની જગ્યાએ કામ કરવા માટે મજબૂર છે. બાળકોના આ પ્રકારનું કામ કરવું તે એક ચિંતાનો વિષય છે. બાળમજૂરી વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવા અને 14 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને મજૂરીની મજબૂરીમાંથી બહાર નિકાળીને શિક્ષણ અપાવવાના હેતુથી આ દિવસની શરૂઆત વર્ષ 2002માં 'ધ ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન' દ્વારા કરવામાં આવી હતી.
આ દિવસે તમામ શ્રમિક સંગઠન, સેવાભાવી સંસ્થા અને સરકાર બાળ મજૂરીને સમાપ્ત કરવાના સંકલ્પ લેતી હોય છે. તેમછતા બાળમજૂરી યથાવત છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના રિપોર્ટ અનુસાર આજે પણ વિશ્વભારમાં લગભગ 15.2 કરોડ બાળકો મજૂરી કરવા માટે મજબૂર છે. તેમાંથી મોટાભાગના જોખમી પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. જ્યારે ભારતમાં જનગણના 2011ના રિપોર્ટ અનુસાર દેશમાં એક કરોડથી વધારે બાળમજૂર કામ કરી રહ્યા છે.
શું છે બાળ મજૂરી?
બાળમજૂરી સામાન્ય રીતે બાળકોને વેતનની ચુકવણી કર્યા વિના અથવા વેતન આપવાની સાથે શારીરિક કાર્ય કરાવવામાં આવે છે. બાળ મજૂરી માત્ર ભારત સુધી જ મર્યાદિત નથી તે એક વૈશ્વિક ઘટના છે.
બાળમજૂરીનું કારણ
- યૂનિસેફ અનુસાર, બાળકો પાસે એટલા માટે મજૂરી કરાવવામાં આવે છે કારણ કે તેમનું સરળતાથી શોષણ કરી શકાય છે.
- બાળકો પોતાની ઉંમર અનુસાર જે અઘરા કાર્યો કરવાની મજબૂરી સહન કરે છે તેનું સામાન્ય અને મુખ્ય કારણ ગરીબી છે.
- આ ઉપરાંત, વસ્તી વિસ્ફોટ, સસ્તો શ્રમ, કાયદાઓ અમલી ન હોવા, બાળકોને શાળાએ મોકલવા પ્રત્યે માતા-પિતાની બેદરકારી (તેઓ પોતાના બાળકોને શાળાની જગ્યાએ મજૂરી માટે મોકલવા મજબૂર હોય છે જેથી પરિવારની આવક વધી શકે) જેવા અન્ય કારણ પણ જવાબદાર હોય છે.
ભારતમાં બાળ શ્રમ નિષેધ દિવસ
ભારતમાં બાળ મજૂર વ્યાપક સ્તર પર છે. અહીં બાળ મજૂરી માટે બાળજોની તસ્કરી પણ કરવામાં આવે છે. આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રશંસનીય પગલા ઉઠાવી રહી છે. એટલા માટે સૌથી પહેલા 1986માં બાળશ્રમ નિષેધ અને નિયમન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ 14 વર્ષથી નાની ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવી તે ગેરકાયદેસર માનવામાં આવશે. આ સાથે જ ભારતીય બંધારણના અનુચ્છેદ 23 બાળકોને જોખમી ઉદ્યોગ અને કારખાનામાં કામ કરવાની પરવાનગી આપતો નથી. જ્યારે કલમ 45 અંતર્ગત દેશના તમામ રાજ્યોમાં 14 વર્ષની ઉંમર ધરાવતા બાળકોને મફત શિક્ષણ આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
- ભારતમાં આદિકાળથી બાળકોને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ વર્તમાનનું ચિત્ર આ વિચારોથી તદ્દન વિપરિત છે. બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ગરીબ બાળકો શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉંમરમાં મજૂરી કરી રહ્યા છે.
- છેલ્લા કેટલાય વર્ષોથી ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર બાળકોના ઉત્થાન માટે અનેક યોજનાઓની શરૂઆત કરી છે, જેનાથી બાળકોના જીવન તેમજ તેમના શિક્ષણમાં સકારાત્મક અસર જોવા મળે. શિક્ષણનો અધિકાર પણ બાળમજૂરી નાબૂદ કરવાની દિશામાં પ્રશંસનીય કાર્ય છે. તેમછતાં હજુ પણ બાળમજૂરીની સમસ્યા એક વિકટ સમસ્યા તરીકે તેમના બાળપણને નષ્ટ કરી રહી છે.