World Animal Day 2020 : વિશ્વ પશુ દિવસ કેમ મનાવવામાં આવે છે?
- જાણો, વિશ્વ પ્રાણી દિવસના ઇતિહાસ અને મહત્ત્વ વિશે...
નવી દિલ્હી, તા. 04 ઑક્ટોબર 2020, રવિવાર
આજે વિશ્વ પશુ દિવસ એટલે કે વર્લ્ડ એનિમલ ડે છે. દર વર્ષે 4 ઑક્ટોબરના દિવસે વિશ્વ પ્રાણી દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2020માં રવિવારના દિવસે વર્લ્ડ એનિમલ ડે મનાવવામાં આવશે. આ દિવસે પશુઓના અધિકારો અને તેના કલ્યાણ વગેરે સંબંધિત જુદા-જુદા કારણોની સમીક્ષા કરવામાં આવે છે. પ્રાણીઓના મહાન આશ્રયદાતા આસીસીના સંત ફ્રાન્સિસનો જન્મદિવસ પણ 4 ઑક્ટોબરે મનાવવામાં આવે છે. તેઓ પ્રાણીઓના મહાન સંરક્ષક હતા. આંતરરાષ્ટ્રીય પશુ દિવસના અવસરે જનતાને ચર્ચામાં સામેલ કરવી અને પશુઓ પ્રત્યે ક્રૂરતા, પશુ અધિકારોનું ઉલ્લંઘન વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર જાગરૂકતા ફેલવવાનો ઉદ્દેશ્ય છે.
આ દિવસને વિશ્વભરમાં રાષ્ટ્રીયતા, વિશ્વાસ, ધર્મ અને રાજકીય વિચારધારાની વિવિધ પદ્ધતિઓથી મનાવવામાં આવે છે. વિશ્વ પશુ દિવસ વ્યક્તિઓ, સમૂહો, અને સંગઠનોનું સમર્થન અને ભાગીદારીના માધ્યમથી વિશ્વભરમાં પશુ કલ્યાણના ધોરણોમાં સુધારો લાવવાના હેતુ સાથે મનાવવામાં આવે છે.
પશુ દિવસનો ઇતિહાસ
પ્રથમવાર વિશ્વ પશુ દિવસનું આયોજન હેનરિક જિમરમને 24 માર્ચ, 1925ના રોજ જર્મનીના બર્લિનમાં આવેલા સ્પોર્ટ્સ પેલેસમાં કર્યું હતું. પરંતુ વર્ષ 1929થી આ દિવસ 4 ઑક્ટોબરના રોજ મનાવવામાં આવ્યો. શરૂઆતમાં આ આંદોલનને જર્મનીમાં શરૂ કરવામાં આવ્યું અને ધીમે-ધીમે તે સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યું. વર્ષ 1931માં ફ્લોરેન્સ, ઇટલીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પશુ સંરક્ષણ સંમેલને આંતરરાષ્ટ્રીય પશુ દિવસ તરીકે 4 ઑક્ટોબરનો દિવસ નક્કી કરવા માટે એક પ્રસ્તાવ પસાર કર્યો અને મંજૂર કર્યો. યૂનાઇટેડ નેશન્સે 'પશુ કલ્યાણ પર એક સાર્વભૌમ ઘોષણા'ના નિયમ તેમજ નિર્દેશો હેઠળ અનેક અભિયાન ચલાવવાની શરૂઆત કરી. નૈતિકતાની દ્રષ્ટિથી સંયુક્ત રાષ્ટ્રે સાર્વજનિક રીતે કરેલી ઘોષણામાં પશુઓના દર્દ અને પીડાના સંદર્ભમાં તેમને સંવેદનશીલ પ્રાણી તરીકે ઓળખ અપાવવાની વાત કરી.
પશુ દિવસનું મહત્ત્વ
વિશ્વ પશુ દિવસનો હેતુ પશુ કલ્યાણના ધોરણોમાં સુધાર કરવાનો અને વ્યક્તિઓ તથા સંગઠનોનું સમર્થન પ્રાપ્ત કરવાનો છે. આ દિવસનો મૂળ હેતુ વિલુપ્ત થતાં પ્રાણીઓની રક્ષા કરવાનો અને માનવી સાથેના પશુઓના સંબંધને મજબૂત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય પશુ દિવસ આ ધારણા પર કામ કરે છે કે દરેક જાનવર એક વિશિષ્ટ સંવેદનાત્મક પ્રાણી છે અને એટલા માટે દરેક પશુ સંવેદના અને સામાજિક ન્યાય મેળવવા યોગ્ય પણ છે. કોઇ પ્રાકૃતિક સંકટના સમયે પણ આ પ્રાણીઓ પ્રત્યે કઠોર વર્તન કરવામાં આવતું હતું અને તેમની સુરક્ષા પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી હતી જે અયોગ્ય છે.
પશુ દિવસ સમારોહ
વિશ્વ પશુ કલ્યાણ દિવસ પર પ્રાણીઓના જીવનની ગુણવત્તામાં સુધાર કરવા માટે અલગ-અલગ પ્રકારના સમારોહનું આયોજન કરવામાં આવે છે. જેમ કે વિશ્વ પશુ કલ્યાણ અભિયાન, પશુઓ માટે બચાવ આશ્રમોનું ઉદ્દઘાટન, જાનવરો માટે આશ્રય નિર્માણ અને ફંડ એકત્ર કરવા સંબંધિત કાર્યક્રમોનું આયોજન વગેરે.
આ દિવસ રાષ્ટ્રીયતા, ધર્મ, આસ્થા અને રાજકીય વિચારધારાથી પરે દરેક દેશમાં અલગ-અલગ રીતે મનાવવામાં આવે છે અને આ અવસર પર આ તમામ દેશોના વિષય આ પશુઓ પ્રત્યે અલગ-અલગ હોય છે. અમે વધતી જાગરૂકતા અને શિક્ષણના માધ્યમથી એક એવા વિશ્વનું નિર્માણ કરી શકીએ છીએ જ્યાં પ્રાણીઓને મનુષ્યના સૌથી નજીક માનવામાં આવે છે.