Updated: Mar 4th, 2023
નવી મુંબઇ,તા. 4 માર્ચ 2023, શનિવાર
ભારતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને તેના કારણે હવે શરીરને હાઈડ્રેટ રાખવું વધારે જરૂરી છે. મોટી સંખ્યામાં લોકો આ સિઝન દરમિયાન ડિહાઈડ્રેશનનો ભોગ બને છે. આવી સ્થિતિમાં ડોક્ટર હોય કે ડાયેટીશિયન તેઓ લોકોને પ્રવાહી વધારે લેવાની સલાહ આપે છે. ગરમી દૂર કરવા માટે કેટલાક લોકો કોલ્ડ ડ્રિન્ક પીવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેના કરતા છાશનું સેવન કરી શકાય છે. છાશને આરોગ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય છાશ વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.
પાચનતંત્ર માટે છે ફાયદાકારક
છાશને આપણા પાચનતંત્ર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. છાશમાં ગુડ બેક્ટેરિયા એટલે કે સારા બેક્ટેરિયા અને લેક્ટિક એસિડ હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય શરીરના મેટાબોલિઝમને પણ સુધારે છે.
ડિહાઈડ્રેશન અટકાવે છે
છાશને દહીં અને પાણીની મદદથી તૈયાર કરવામાં આવે છે. આમાં 90 ટકા સુધી પાણી અને પોટેશિયમ જેવા ઈલેક્ટ્રોલાઈટ હોય છે. છાશનું સેવન શરીરમાં પાણી જાળવી રાખે છે અને ડિહાઈડ્રેશન અટકાવે છે.
એસિડિટી સામે ફાયદાકારક
છાશ પીવાથી એસિડિટીની સમસ્યાને દૂર કરે છે. આ સિવાય જો છાશમાં કાળામરી અને અદરક નાખવામાં આવે તો તેનું પોષણ મૂલ્ય પણ વધશે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
સારી રોગપ્રતિકારક શક્તિ માટે આતંરડા સ્વસ્થ સ્થિતિમાં હોવા ખુબ જ જરૂરી છે. છાશ આતંરડાને સ્વસ્થ રાખે છે અને પાચનતંત્રને પણ વધુ સારું બનાવે છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
બ્લડ પ્રેશર
જો છાશ નિયમિત રીતે દરરોજ પીવામાં આવે તો એ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખી શકે છે. આ હાઈ બ્લડ પ્રેશર અને હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.