ઓસ્ટ્રેલિયાનો એવો અનોખો પર્વત જે સવાર-સાંજ તથા સિઝન અનુસાર રંગ બદલે છે, 150 વર્ષ પહેલાં થઈ હતી શોધ
The Iconic Attractions Of Australia, Rock Uluru: રંગ બદલવાની વાત આવે એટલે કુદરતી રીતે આપણે કાચિંડાનું નામ લેતા હોઈએ છીએ. આ બાબત બધાને ખબર છે પણ તમને એ ખબર છે કે, ઓસ્ટ્રેલિયામાં એક પર્વત એવો છે જે રંગ બદલે છે. સિઝન પ્રમાણે પોતાનો મિજાજ અને દેખાવ બદલી કાઢે છે. વાત થોડી વિચિત્ર છે પણ સાચી છે.
ઉલુરુ પર્વત બદલે છે પોતાનો રંગ
ઓસ્ટ્રેલિયામાં એક એવો પર્વત છે જે રંગ બદલે છે. આ પર્વતનું નામ આર્યસ રોક છે. આમ તો આ પર્વતની આસપાસ ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસી અને આદિજાતિના લોકો રહે છે. તેઓ તેને 'ઉલુરુ પર્વત' તરીકે ઓળખાવે છે.
આ રીતે નામ પડ્યું 'આર્યસ રોક'
યુનિસેફ દ્વારા તેને હેરિટેજ સાઇટ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. જાણકારોના મતે 1873માં એક અંગ્રેજ ડબ્લ્યુ જી ગોસે દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. 150 વર્ષ પહેલાં આ પર્વત શોધાયો ત્યારે તત્કાલિન વડા પ્રધાન હેનરી આર્યસ હતા અને તેમના નામથી જ પર્વતનું નામ 'આર્યસ રોક' રાખવામાં આવ્યું હતું.
સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પર્વત બદલે છે પોતાનો રંગ
સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે રંગમાં પરિવર્તન આવે છે. આ પર્વતની ઉંચાઈ 335 મીટર છે. આ પર્વત 7 કિ.મી લાંબો અને 2.4 કિ.મી પહોળો છે. સામાન્ય રીતે આ પર્વતના પથ્થરોનો રંગ લાલ છે. દિવસે અને સાંજે આ રંગમાં ફેરફાર થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પર્વત પોતાના રંગોમાં ફેરફાર કરતો હોય તેમ લાગે છે.
સેન્ડસ્ટોનથી બનેલો આ પર્વત છે ખાસ
સવારે સૂર્ય ઉગે ત્યારે તેનો પ્રકાશ પર્વત ઉપર પડે ત્યારે એવું લાગે છે કે જાણે કે પર્વત ઉપર આગ લાગી છે અને તેમાંથી જાંબલી અને ઘાટા લાલ રંગની જ્વાળાઓ નીકળી રહી છે. તે ઉપરાંત સાંજે જયારે સૂર્યાસ્ત થાય ત્યારે આ પર્વત જાંબલી રંગમાં ફેરવાઈ જાય છે. તે સિવાય દિવસ દરમિયાન ક્યારેક લાલ, ક્યારેક પીળો તો ક્યારેક નારંગી રંગનો પર્વત દેખાતો હોય છે.
સૂર્યના કિરણો પર્વત પર પડતાં થાય છે રંગોનું પરાવર્તન
સેન્ડસ્ટોનથી બનેલો પર્વત છે કુદરતની કરામત. આ પર્વતની ખાસિયત એ છે કે, તે સેન્ડસ્ટોનથી બનેલો છે. તેને કોંગ્લોમેરેટ પણ કહેવામાં આવે છે. તેના કારણે સૂર્યના કિરણો તેના ઉપર પડતાં તેના રંગોનું પરાવર્તન થવા લાગે છે. દિવસ દરમિયાન જેવું વાતાવરણ રહે છે તે મુજબ પર્વતના રંગોનું પરાવર્તન થતું રહે છે.
પ્રાચીન સમયમાં આદિવાસીઓ કરતા હતા આ પર્વતની પૂજા
સૂર્યના કિરણોના કારણે વિવિધ રંગોનું પરાવર્તન થાય છે અને નારંગીથી શરુ કરીને જાંબલી, પીળો અને લાલ જેવા રંગો બદલાતા રહે છે. પ્રાચીન સમયમાં આ પર્વતમાં રંગો બદલાતા હોવાથી અહીંયાના આદિવાસીઓ તેને ભગવાન માનતા હતા. તેઓ તેની તળેટીમાં આવેલી ગુફાઓમાં જઈને પૂજા કરતા હતા. હવે તો આ પર્વત મોટું ટુરિસ્ટ સ્પોટ બની ગયું છે.
આ પણ વાંચો: ગુલાબી ચા પીવાના અઢળક ફાયદા જાણી ચોંકશો, ગ્લોઈંગ સ્કિનથી માંડી હાર્ટ પણ હેલ્દી રહેશે
ચીન, પેરુ અને અમેરિકામાં પણ આવા પર્વતોનું અસ્તિત્વ
જાણકારોના મતે ચીનમાં પણ આવો પર્વત આવેલો છે. સેન્ડસ્ટોનથી બનેલા આ પર્વતને રેઇનબો માઉન્ટેન કહેવામાં આવે છે. તેમાં રેતી ઉપરાંત ખનિજોનું પ્રમાણ વધારે હોવાથી સૂર્યના કિરણોના વિવિધ રંગો પરાવર્તિત થતાં રહે છે. પેરુમાં વિનીકુંકા માઉન્ટન છે જેમાં પણ ખનિજનું પ્રમાણ વધારે છે તેના લીધે તેના રંગમાં પણ ફેરફાર થતો રહે છે. તેમાં લાલ, લીલો, પીળો અને સોનેરી રંગ જોવા મળે છે.
અમેરિકાના એન્ટેલોપ કેન્યનમાં પણ દિવસ દરમિયાન રંગો બદલાતા રહે છે. સૂર્યના કિરણો સાંકડી તિરાડોમાંથી પસાર થાય છે ત્યારે તેના રંગો બદલાતા રહે છે. તેવી જ રીતે કેલિફોર્નિયાનો બિગ સૂડ પણ પોતાના રંગો બદલે છે. તેમાંય સમુદ્રના મોજા ઉછળીને તેને ભીંજવે છે ત્યારે તેના રંગોમાં ફેરફાર આવે છે.