Updated: Mar 30th, 2023
![]() |
Image Envato |
તા. 30 માર્ચ 2023, ગુરુવાર
ઉનાળાની ઋતુ આપણી જીવનશૈલીમાં ઘણા ફેરફારો લાવતી હોય છે. આ સિઝનમાં પહેરવામાં આવતા કપડાંથી લઈને ખાવા-પીવામાં પણ ઘણો ફેરફાર આવતો હોય છે. ઉનાળામાં લોકો ભીષણ ગરમી અને પરસેવાના કારણે પરેશાન થતા હોય છે. આવી સ્થિતિમાં પોતાને ફ્રેશ રાખવા માટે લોકો ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ટેલ્કમ પાવડરનો ઉપયોગ હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે પણ ફ્રેશ રહેવા માટે ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો. ટેલ્કમ પાવડરના ઉપયોગ નુકશાનકારક બની શકે છે.
ડ્રાય સ્કીન
ઉનાળામાં ઘણીવાર ઓઈલી સ્કીનના કારણે ઘણાં લોકો ખાસ કરીને મહિલાઓ ચહેરા પર ટેલ્કમ પાવડર લગાડે છે. પરંતુ આવું કરવાથી ત્વચાને ઘણું નુકશાન પહોંચે છે. ચેહરા પર પાવડર લગાડવાથી સ્કીન ડ્રાય થવા લાગે છે, જેના કારણે ડ્રાઇનેસની સમસ્યા વધવા લાગે છે. ઘણીવાર ડ્રાઇનેસના કારણે લાલ ચકામાની પણ સમસ્યા ઉભી થઈ શકે છે.
થઈ શકે છે સ્કીન ઇન્ફેકશન
ઘણા લોકો ઉનાળામાં અંડરઆર્મ્સમાંથી પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરતા હોય છે. આવી સ્થિતિમાં સ્કીન ઇન્ફેકશનની શક્યતાઓ ઘણી વધી જાય છે. ઉનાળાની ઋતુમાં લોકો ઘણીવાર પાવડરનો ઉપયોગ તેમનાં અંડરઆર્મ્સ અથવા કમર વગેરેમાં કરતાં હોય છે. ટેલ્કમ પાવડરમાં સ્ટાર્ચ હોય છે, જેના ઉપયોગથી પરસેવો સુકાઈ જાય છે, પરંતુ સ્કીન ઇન્ફેકશનનું જોખમ ઘણુ વધી જાય છે.
રૂવાંટીના છિદ્રો બંધ થઈ શકે છે
જો ઉનાળામાં ટેલ્કમ પાવડરનો વધુ ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે ત્વચાના છિદ્રો બંધ થઈ શકે છે. વાસ્તવમાં પાવડર ખૂબ જ બારીક હોય છે, જેના ઉપયોગથી ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે. આટલું જ નહીં પાઉડર ઉનાળામાં પરસેવાને બાષ્પીભવન થવા દેતું નથી, જેનાથી ચકામા થવાની શક્યતા વધી જાય છે.
શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે
ઉનાળામાં ટેલ્કમ પાવડરના ઉપયોગના કારણે શ્વાસની સમસ્યા પણ થઈ શકે છે. વાસ્તવમાં તેના નાના કણો શ્વસન પ્રક્રિયા દ્વારા શરીરમાં પહોંચે છે. જેના કારણે ગભરાટ, શ્વાસ લેવામાં મુશ્કેલી અને ઉધરસ વગેરે થઈ શકે છે. આ સિવાય ક્યારેક આના કારણે ફેફસામાં બળતરા પણ થઈ શકે છે.