યુવાનોના હોટ ફેવરિટ ટેમ્પરરી ટેટૂ ત્વચાને પહોંચાડે છે નુકસાન, જાણો કેવી રીતે
અમદાવાદ, 3 ડિસેમ્બર 2019, ગુરુવાર
ટેટૂ કરાવતી વખતે થતા દુખાવાથી બચવા માટે અને અલગ અલગ ડિઝાઈનના ટેટૂ કરાવવા માટે લોકો પરમેન્ટ ટેટૂ કરાવવાને બદલે ટેમ્પરરી ટેટૂ કરાવતા હોય છે. કેટલાક લોકો આવા ટેટૂ એટલે પણ કરાવતા હોય છે કે તેઓ એવું માને છે કે આ ટેટૂ કરાવવાથી ત્વચાને નુકસાન થતું નથી. પરંતુ આ ભુલભરેલી માન્યતા છે. આ પ્રકારના ટેટૂ પણ ત્વચા માટે જોખમી છે. ટેમ્પરરી ટેટૂમાં જે ડાઈ અને રંગોનો ઉપયોગ થાય છે તેનાથી ત્વચાને નુકસાન થાય છે. આ ડાઈના કારણે ત્વચા પર ડાઘ ધબ્બા, ફોલ્લા અને ત્વચા શ્યામ થવા જેવી તકલીફો થઈ શકે છે.
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ પ્રકારના ટેટૂથી ત્વચા પર જે દુષ્પ્રભાવ થાય છે તે તુરંત નથી જોવા મળતો. આ ફેરફાર ત્વચા પર 1 કે 2 અઠવાડિયામાં જોવા મળે છે. ઘણીવાર ટેટૂ બની ગયા બાદ પણ ટેટૂની અસર દેખાય છે.
ટેમ્પરરી ટેટૂ બનાવવા માટે મોટાભાગે બ્લૂ, લાલ અને લીલો રંગ ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણીવાર લીલો અને લાલ રંગ સર્જરી વિના જતા નથી. આ ટેટૂ ત્વચા પરથી દૂર થઈ જાય તો પણ તેના નિશાન ત્વચા પર રહી જાય છે. ઘણીવાર ત્વચા પર સફેદ નિશાન પણ થઈ જાય છે. ટેટૂ કરાવવાથી એઈડ્સ અને કમળા જેવી બીમારી પણ થઈ શકે છે. એટલા માટે શક્ય હોય ત્યાં સુધી ટેટૂ કરાવવાથી દૂર રહેવું.