તડકામાં બહાર જવાનું થાય તો આ વાતોનું રાખો ધ્યાન
અમદાવાદ, 16 એપ્રિલ 2019, મંગળવાર
જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા સમયે જે લોકોને જરૂરી કામ માટે ઘરની બહાર જવું પડે છે તેમણે પોતાનું ખાસ રીતે ધ્યાન રાખવું જોઈએ. તેમાં પણ જો બપોરના સમયે ઘરની બહાર જવાનું થાય તો તબીયત માટે ખાસ તકેદારી રાખવી જોઈએ.
ગરમીનું પ્રમાણ વધવાની સાથે શરીરને પાણીની વધારે જરૂર પડે છે. દિવસ દરમિયાન તરસ પણ વધારે લાગે છે તેથી ઘરની બહાર નીકળો ત્યારે સાથે પાણીની બોટલ જરૂર રાખવી. તડકાના કારણે શરીરમાંથી પાણી ઘટી જાય છે તેવામાં જો પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું ટાળશો તો શરીરને નુકસાન થઈ શકે છે.
શક્ય હોય તો સવારના 12થી 4 કલાક સુધી તડકામાં બહાર જવાનું ટાળવું. જો જવું જ પડે તેમ હોય તો ઘરેથી ખાલી પેટ ક્યારેય ન નીકળવું. આ ઉપરાંત ઉનાળામાં લૂઝ અને કોટનના જ કપડા પહેરવા જે પરસેવો સુકાવામાં મદદ કરે અને ત્વચાને નુકસાન પણ ન કરે.
તડકામાં જવાનું થાય તો ચહેરાને અને શરીરના ખુલા રહેતા ભાગને બરાબર ઢાંકી રાખવા જેથી સૂર્યના નુકસાનકારક કિરણો ત્વચાને નુકસાન ન પહોંચાડે. તેમજ ત્વચા પર એસપીએફ 15 સનસ્ક્રીન પણ લગાડવું. દિવસ દરમિયાન તેલવાળા અને મસાલેદાર ખોરાકનું સેવન પણ ન કરવું. ઉનાળામાં જંકફૂડ લેવાનું ટાળવું અને હળવો અને સુપાચ્ય ખોરાક જ લેવો.