ગર્ભાવસ્થામાં આ રીતે રાખશો ત્વચાનું ધ્યાન તો નહીં થાય સ્ટ્રેચ માર્ક
નવી દિલ્હી, 1 માર્ચ 2020, રવિવાર
ગર્ભાવસ્થા દરમિયાન એક મહિલાને અનેક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આ સમયગાળા દરમિયાન શારીરિક પરિવર્તનથી લઈ હોર્મોનલ પરિવર્તનના કારણે મહિલાના શરીર, ત્વચા અને આંતરિક અંગોમાં ઘણા ફેરફાર થાય છે. આ ફેરફાર બાદ મહિલાનું શરીર પ્રસવ માટે તૈયાર થાય છે.
ગર્ભવતી મહિલાની ત્વચામાં પણ ઘણા ફેરફાર થાય છે. જેમકે પેટ વધી જતા ત્યાં સ્ટ્રેચ માર્ક પડી જાય છે. આ નિશાનમાંથી છૂટકારો મળી શકે છે પરંતુ તેના માટે થોડી કાળજી લેવી પડે છે. બજારમાં મળતા કેમિકલયુક્ત બ્યૂટી પ્રોડક્ટ બાળક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલે જ ત્વચાની સંભાળ તમારે આ રીતે રાખવી જોઈએ.
ગર્ભાવસ્થામાં ત્વચાની સંભાળ એવી રીતે રાખવી કે બાળકને તેની અસર થાય નહીં. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે સ્વસ્થ ત્વચા માટે ગર્ભાવસ્થા દરમિયાન આ નિયમિત દિનચર્યા અપનાવવી જોઈએ. ગર્ભાવસ્થામાં ત્વચા પર ડ્રાયનેસ, ખંજવાળ, લાલ નિશાન થઈ જતા હોય છે. કારણ કે ગર્ભાવસ્થામાં ત્વચા નાજૂક થઈ જાય છે. ત્વચાની સંભાળ માટે તમે નીચે દર્શાવ્યાનુસાર ઉપાય કરી શકો છો.
માલિશ
માલિશથી રક્ત સંચાર સુધરશે અને ડ્રાયનેસ દૂર થશે. માલિશ કરવાથી ત્વચા જીવંત થઈ જશે અને ત્વચાના ખેંચાણથી થતો દુખાવો પણ દૂર થશે. ગર્ભાવસ્થામાં રોજ ત્વચા પર હળવા હાથે માલિશ કરવી. માલિશ માટે ઓલિવ ઓઈલ, એલોવેરા કે અશ્વગંધા સારો વિકલ્પ છે.
મોઈશ્ચુરાઈઝર
નહાયા બાદ રોજ સવારે મોઈશ્ચુરાઈઝર લગાવવું. તેનાથી ત્વચા દિવસભર દમકતી રહેશે. તેના માટે બોડી બટર ક્રીમ જે કોકોઆ બટર અને ગ્લિસરીનયુક્ત હોય તેનો ઉપયોગ ઉત્તમ રહે છે. તેનાથી ત્વચામાં નમી જળવાશે અને ત્વચા કોમલ રહેશે. તેનાથી ડ્રાયનેસના કારણે આવતી ખંજવાળ પણ દૂર થશે અને સ્ટ્રેચ માર્કસ બનશે નહીં.