Get The App

'સફળતા એટલે માત્ર પૈસા નહીં, સમાજમાં કેટલું યોગદાન તે જરૂરી': રાધિકા અંબાણી

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
'સફળતા એટલે માત્ર પૈસા નહીં, સમાજમાં કેટલું યોગદાન તે જરૂરી': રાધિકા અંબાણી 1 - image
ફોટો સોર્સ : IIMUN and instagram

Radhika Ambani Equality In Marriage And Feminism: તાજેતરમાં રાધિકા અંબાણીએ ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ(IIMUN)ના મુખ્ય મથકે વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે લગ્નજીવનમાં સમાનતા અને મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતાના મહત્ત્વ વિષય પર ખુલીને પોતાના વિચારો રજૂ કર્યા હતા. રાધિકા અંબાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ સમાન ભાગીદારીનો સાચો પાયો પરસ્પર એકબીજા માટે આદર છે. પોતાના લગ્નજીવનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, 'મારા લગ્નજીવનમાં પણ હું અને અનંત, અમે બંને દરેક બાબતમાં એકબીજા સમાન છીએ, કેટલીક જગ્યાએ અનંત જતું કરે છે, તો કેટલીક જગ્યાએ હું નમતું જોખું છું.'

આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય અને જરૂરી

મહિલાઓના સશક્તિકરણ અંગે વાત કરતાં રાધિકા અંબાણીએ દરેક મહિલા માટે આર્થિક રીતે આત્મનિર્ભર હોવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે યુવા મહિલાઓને પ્રેરણાદાયી સલાહ આપતાં કહ્યું કે, તમે કોની દીકરી છો કે કોની પત્ની છો અને જીવનમાં કેટલી સુખ-સુવિધાઓ છે, તેનાથી કોઈ ફરક પડતો નથી; પોતાના નિર્ણયો જાતે લેવા માટે આર્થિક સ્વતંત્રતા હોવી ખૂબ જ જરૂરી છે. ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં માત્ર એટલા માટે બંધાયેલા ન રહેવું જોઈએ કે તમારી પાસે બહાર નીકળવાનો કોઈ વિકલ્પ ન હોય, કારણ કે આવી નિર્ભરતા અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.


સફળતાની વ્યાખ્યા અને સામાજિક યોગદાન

ન્યૂયોર્ક યુનિવર્સિટી(NYU)માંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા બાદ રાધિકા અંબાણીએ ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં 'એન્કોર હેલ્થકેર'(Encore Healthcare)માં ડાયરેક્ટર તરીકે કાર્યરત રાધિકા અંબાણી સફળતાને સત્તા, ખ્યાતિ કે પૈસાથી અલગ રીતે જુએ છે. તેમણે જણાવ્યું કે, તેમના માટે સફળતાનો સાચો માપદંડ એ છે કે, તેઓ સમાજમાં કેટલું યોગદાન આપી શકે છે. ઑફિસમાં તેમનો રોજનો ધ્યેય એ જ હોય છે કે તેઓ કેટલા લોકોને નવી રોજગારી પૂરી પાડી શક્યા છે, જે સફળતાને માત્ર સંપત્તિનું ઉપાર્જન કરવાને બદલે સમાજ ઉપયોગી બનાવે છે.

નિષ્ફળતાનો ડર અને નાની શરૂઆત

પોતાના 20 વર્ષના અનુભવો શેર કરતાં 31 વર્ષીય રાધિકા અંબાણીએ સ્વીકાર્યું કે એક સમયે તેઓ પણ નિષ્ફળતાના ડરનો સામનો કરી રહ્યા હતા. જેના પર કહ્યું કે જ્યારે તમારી પાસેથી બહુ મોટી અપેક્ષાઓ રાખવામાં આવે, ત્યારે નિષ્ફળ થવાનો ડર એટલો વધી જાય છે કે તમે કોઈ નવું પગલું ભરતાં પણ અચકાવા લાગો છો. આ ડરમાંથી બહાર આવવા માટે તેમણે આત્મવિશ્વાસની રાહ જોવાને બદલે નાના-નાના નિર્ણયો લેવાનું અને નાના કાર્યોથી શરૂઆત કરવાનું વલણ અપનાવ્યું, જેનાથી ધીમે-ધીમે તેમનો પોતાના પરનો ભરોસો મજબૂત થયો.

સ્ત્રી સમાનતા માટે પુરુષોનું શિક્ષણ

નારીવાદ(Feminism)ના મુદ્દા પર રાધિકા અંબાણીએ એક તદ્દન અલગ અને વ્યવહારુ દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેઓ પોતે એક માતૃસત્તાક વાતાવરણમાં ઉછર્યા છે અને આવા જ સક્ષમ પરિવારમાં તેમના લગ્ન થયા છે, જ્યાં તેમની માતા અને સાસુ બંને અત્યંત મજબૂત વ્યક્તિત્વ ધરાવે છે. જો કે, તેમનું માનવું છે કે માત્ર મહિલાઓની મજબૂતાઈ સમાનતા લાવવા માટે પૂરતી નથી. સાચી સમાનતા ત્યારે જ આવશે જ્યારે મહિલાઓની સાથે પુરુષોને પણ આ બાબતે યોગ્ય શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવશે અને જે દિવસે આ સવાલ માત્ર મહિલાઓ પૂરતો સીમિત નહીં રહે, તે દિવસે સાચી જીત થશે.


રાધિકા અંબાણીએ કહ્યું કે આજના સોશિયલ મીડિયા અને અલ્ગોરિધમના જમાનામાં મારી યુવાનોને એક જ વિનંતી છે કે કોઈના વિચારોથી પ્રભાવિત થઈને પોલારાઇઝ ન થાઓ. વધુમાં વધુ વાંચો, અલગ-અલગ મંતવ્યો જાણો અને પોતાનામાં સહિષ્ણુતા તેમજ સ્વીકાર્યતા કેળવો. જો આપણે વૈશ્વિક સ્તરે વિચારતા હોઈએ, તો આપણા મૂળિયાં એટલા મજબૂત હોવા જોઈએ કે આપણે અહીં કંઈક નવું અને સાર્થક ઊભું કરી શકીએ.