ફિટનેસની બાબતમાં અક્ષય કુમાર, બાબા રામદેવ કરતાં પણ આગળ પીએમ મોદી
નવી દિલ્હી, 10 જુલાઈ 2019, બુધવાર
ફિટનેસ માટે લોકોને પ્રેરિત કરતા બોલિવૂડ સ્ટાર અને યોગ ગુરુ બાબા રામદેવને દેશના વડાપ્રધાન મોદીએ પાછળ રાખી દીધા છે. જી હાં સારું સ્વાસ્થ્ય રહે તે માટે લોકોને પ્રેરિત કરવા માટે વડાપ્રધાન મોદી બીજીવાર પ્રથમ આવ્યા છે. વડાપ્રધાન મોદી બાદ અક્ષય કુમાર અને બાબા રામદેવનું નામ આ યાદીમાં આવે છે. ભારતની જીઓક્યૂઆઈઆઈ સંસ્થાએ આ યાદી જાહેર કરી છે. લોકોને સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રેરણા આપતા લોકોમાં એમએસ ધોની, રણવીર સિંહ, કરીના કપૂર, ટાઈગર શ્રોફ, પ્રિયંકા ચોપરા, વિરાટ કોહલી અને દીપિકા પાદુકોણનો સમાવેશ થાય છે. આ કલાકારોએ પણ ટોપ 10માં જગ્યા બનાવી છે.
યાદી તૈયાર કરનાર સંસ્થાના સીઈઓ વિશાલ ગોંડલના જણાવ્યાનુસાર આ રિપોર્ટ દેશના સૌથી પ્રભાવશાળી હેલ્થકેર વ્યક્તિઓની ઓળખ માટે છે. ભારતને જે લોકો સ્વસ્થ બનાવવાની શક્તિ ધરાવે છે તેમનું નામ આ યાદીમાં છે. સ્વસ્થ ભારત એ માત્ર સરકારનું જ નહીં તેમનું પણ લક્ષ્ય છે.
રિપોર્ટ અનુસાર વડાપ્રધાન મોદીએ 2015માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શરુ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે આ દિવસની ઉજવણી વિશ્વસ્તરે થાય છે. તેઓ ભારતને શ્રેષ્ઠ બનાવવા ઉત્સુક તો છે જ સાથે જ ભારતીયના સ્વાસ્થ્ય અને ફિટનેસમાં સુધારો થાય તે માટે પણ ઉત્સુક છે. વડાપ્રધાન મોદી 68 વર્ષની ઉંમરએ પણ ફિટ રહેવાના ઉપાય કરે છે.