આ વ્યક્તિએ ઘરમાં રાખ્યો સિંહ, પ્રેમ એટલો કે બેડ પર સુવે છે સાથે
નવી દિલ્હી, 29 મે 2019, બુધવાર
લોકો કુતરા, બિલાડી, સસલા જેવા પ્રાણી ઘરમાં પાળે છે, પરંતુ આજે તમને એક એવા વ્યક્તિ વિશે જાણવા મળશે જેણે પોતાના ઘરમાં સિંહને પાળ્યો છે. જી હાં આ વ્યક્તિ છે પાકિસ્તાનના મુલ્તાનનો રહેવાસી. જુલ્કૈફ ચૌધરીએ સિંહને ઘરમાં પાળીતો બનાવી રાખ્યો છે. આ સિંહનું ધ્યાન પણ તે એક બાળકની જેમ રાખે છે. રોજ સવારે તે સિંહ સાથે વોક પર જાય છે, દિવસ દરમિયાન બંને એક જ ઘરમાં સાથે રહે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે તે સિંહને બાંધ્યા વિના પોતાની સાથે બેડ પર સુવડાવે છે.
જુલ્કૈફના પરીવારને પણ તેના સિંહથી કોઈ સમસ્યા થતી નથી. જુલ્કૈફનો 2 વર્ષનો દીકરો છે જે સિંહ સાથે પ્રેમથી રમે છે. આ પાલતુ સિંહનું નામ બબ્બર છે. જુલ્કૈફએ આ સિંહને ક્યારેય સાંકળથી બાંધ્યો નથી. સિંહ ઘરમાં કોઈપણ સ્થળે આરામથી હરતો ફરતો રહે છે. આ સિંહ પણ રોજ જુલ્કૈફની સાથે એક જ બેડ પર સુવે છે પરંતુ આજ સુધી તેને નુકસાન પહોંચાડ્યું નથી.
જુલ્કૈફનું જણાવવું છે કે તેણે સિંહને ઘરમાં રાખવા માટે સંબંધિત અધિકારીઓ પાસેથી પરવાનગી લીધે છે. જો કે આ સિંહ તેમણે ક્યાંથી ખરીદ્યો છે તેના વિશે તેણે સ્પષ્ટતા કરી નથી. જુલ્કૈફ બબ્બરને 2 માસનો હતો ત્યારે પોતાની સાથે લાવ્યો હતો ત્યારથી છેલ્લા 6 માસથી આ સિંહ તેની સાથે તેના પરીવારના સભ્યની જેમ ઘરમાં રહે છે. જો કે સિંહને ઘરમાં રાખવાથી તે ખૂબ પ્રખ્યાત થઈ ગયો છે. તેના ઘરની આસપાસ રહેતા લોકો સિંહ સાથે સેલ્ફી લેવા તેના ઘરે આવે છે. જુલ્કૈફ સારી રીતે સિંહની સંભાળ રાખે છે. તે સિંહને જરૂરી એવી તાલીમ પણ આપે છે જેથી તે ઘરમાં રહેતા પ્રાણીઓની જેમ રહેવાનું શીખી જાય.
આ સિંહના આરામનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સિંહને સમયે સમયે ભોજન મળે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 2 માસના સિંહને જુલ્કૈફએ 3 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને હવે તેની પાછળ દર મહિને 2 લાખ સુધીનો ખર્ચ થાય છે. તેણે બબ્બર માટે ઘરમાં ખાસ બેડરૂમ પણ બનાવ્યો છે જેમાં એસી, બેડ મુકવામાં આવ્યા છે.