National Youth Day 2021 : જાણો, રાષ્ટ્રીય યુવા દિવસનું મહત્ત્વ અને તેનો ઇતિહાસ...
નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2021, મંગળવાર
જાન્યુઆરી માસની 12 તારીખ દેશ માટે ખૂબ જ ખાસ છે. 12 જાન્યુઆરીએ ભારતના મહાન ફિલોસોફર, આધ્યાત્મિક અને સામાજિક નેતાઓમાંથી એક સ્વામી વિવેકાનંદની જ્યંતિ છે. આપણો દેશ યુવાનોનો દેશ છે. આ એક અવસર છે તે મહાન આત્માને યાદ કરવાનો જેમણે સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યુ છે. વિશ્વને ભારતીય સંસ્કૃતિ અને સનાતન જીવન પદ્ધતિનો પરિચય કરાવ્યો. તેમના સન્માનમાં 12 જાન્યુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જાણો, ક્યારે અને કેવી રીતે આ પરંપરાની શરૂઆત થઇ અને શું છે રાષ્ટ્રીય યુવા દિવસનું મહત્ત્વ અને ઇતિહાસ...
સ્વામી વિવેકાનંદનું જીવન :
- વર્ષ 1863માં એક તેજસ્વી બાળક નરેન્દ્ર નાથ દત્તનો જન્મ ભારતના કોલકતાના એક પરિવારમાં થયો હતો. આ બાળક આગળ જતાં ભારતીય સંસ્કૃતિનું ધ્વજવાહક બન્યું અને સ્વાની વિવેકાનંદના નામથી ઓળખાવા લાગ્યા.
- વર્ષ 1893માં સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં આયોજિત વિશ્વ ધર્મ સંસદને સંબોધિત કર્યુ. આ દરમિયાન તેમણે પોતાના સંક્ષિપ્ત પરંતુ અસરકારક વ્યક્તવ્યમાં વેસ્ટર્ન વિશ્વને ભારતીય વેદાંતના દર્શન કરાવ્યા. તેમણે ભારતીય સંસ્કૃતિ અને સનાતન જીવન પદ્ધતિથી લોકોને જાણકાર બનાવ્યા. આ ક્ષણને 'ઈસ્ટ મીટ વેસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે.
- વર્ષ 1897માં સ્વામી વિવેકાનંદે ધર્મ સંસદથી પરત આવ્યા બાદ પોતાના ગુરુ સંત શ્રીરામકૃષ્ણ પરમહંસના નામ પર સામાજિક સેવાઓ માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તેમના આદર્શ કર્મ યોગ અને ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસની શિક્ષાઓ પર આધારિત છે.
- વર્ષ 1902માં 04 ફેબ્રુઆરીના દિવસે સ્વામી વિવેકાનંદ પોતાના રૂમમાં ગયા અને ધ્યાન કરવા માટે બેસી ગયા. આ ધ્યાનાવસ્થામાં તેઓ આ વિશ્વમાંથી પરલોક પ્રસ્થાન કરી ગયા.
- વર્ષ 1984માં ભારત સરકારે પોતાના મહાન આધ્યાત્મિક અને ફિલોસોફર નેતાનું સન્માન કરવા અને દેશના યુવાનોને તેમના વિચારોથી પ્રોત્સાહિત કરવા માટે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ એટલે કે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવાનું જાહેર કર્યુ હતુ.
યોગ વેદાંત સંસ્કૃતિને જીવિત કરી :
દેશમાં સ્વામી વિવેકાનંદના આદર્શો અને વિચારોને સન્માન આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં યુવાઓના મહત્ત્વ વિશે જણાવતા. વિવેકાનંદે વિદેશોમાં જે હાંસલ કર્યુ તેણે ભારતની આધ્યાત્મિક છબિ અને યોગ વેદાંત સંસ્કૃતિને પુર્નજીવિત કરવામાં એક અગત્યની ભૂમિકા ભજવી છે.
શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદથી મળી ખ્યાતિ :
વર્ષ 1893માં શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદમાં તેમણે જે ભાષણ આપ્યું, તે 'અમેરિકાના બહેનો અને ભાઇઓ'ની સાથે શરૂઆત કરી, જેનાથી તેમને વૈશ્વિક સ્તરે અલૌકિક અને તેજસ્વી વક્તા તેમજ ફિલોસોફર તરીકેની ઓળખ મળી. તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશ અને દર્શાવવામાં આવેલા આદર્શો આજે પણ અમર છે. સ્વામી વિવેકાનંદે હંમેશા યુવાનોની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ. તેઓ યુવા પેઢીને પ્રેરિત કરવા ઇચ્છે હતા જેથી તેઓ અંગ્રેજોનો સામનો કરી શકે અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે.
શિક્ષણ અને શાંતિ જ હથિયાર :
સ્વામી વિવેકાનંદના વિચારોમાં એવી ક્ષમતા છે કે તેઓ દરેક વ્યક્તિના જીવનને બદલી શકે છે. વિવેકાનંદનું વિશ્વને જીતવાનું હથિયાર શિક્ષણ અને શાંતિ હતી. તેઓ ઇચ્છતા હતા કે યુવાનો પોતાની આરામદાયક જીવનચર્યામાંથી બહાર નિકળે અને તેઓ પોતાની ઇચ્છા અનુસાર કંઇક હાંસલ કરે. વિવેકાનંદે પોતાના દરેક વિચારને બુદ્ધિ અને તર્ક મારફતે સ્થાપિત કર્યા. વિવેકાનંદને ફિલોસોફી, ધર્મ, સાહિત્ય, વેદ, પુરાણ, ઉપનિષદની સમજ હતી. વિવેકાનંદનું કહેવું હતું કે વાંચવા માટે એકાગ્રતા જરૂરી છે અને એકાગ્ર હોવા માટે ધ્યાન જરૂરી છે. ધ્યાનથી જ આપણે પોતાની ઇન્દ્રિઓ પર સંયમ રાખીને એકાગ્રતા પ્રાપ્ત કરી શકીએ છીએ.
પ્રત્યેક શબ્દ ખુદમાં એક વિષય :
વિશ્વમાં જ્યાં પણ તેમને વ્યાખ્યાન આપ્યા તે તમામ જગ્યાએ તેમના દ્વારા આપવામાં આવતા ઉપદેશ લોકોનો પ્રેરણાસ્ત્રોત બન્યા. તેમના દ્વારા બોલવામાં આવતા પ્રત્યેક શબ્દ એક ઊંડા વિષયના પ્રતીક સમાન હતા. સ્વામી વિવેકાનંદની આકાંક્ષા યુવાનોને તે હદ સુધી પ્રેરિત કરવા માટે હતી કે તેઓ તે પરિવર્તનોને અવાજ આપવાનું શરૂ કરે જે પરિવર્તન તેઓ લાવવા ઇચ્છે છે અને આ ઇચ્છાઓને પૂરી કરી. તેમના વિચારોને સન્માન આપવા અને યુવાનોને તેમના વિચારોથી પ્રેરિત કરવા માટે દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે. તેમણે કહ્યુ હતુ કે જ્યાં સુધી તમે પોતાની પર વિશ્વાસ કરશો નહીં, ત્યાં સુધી તમને ઇશ્વર પર વિશ્વાસ થઇ શકશે નહીં. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી લાગ્યા રહો.