National Simplicity Day 2020 : જાણો, આજના આધુનિક સમયમાં સાદગી દિવસનું મહત્ત્વ
- દર વર્ષે 12 જુલાઇના દિવસને સાદગી દિવસ તરીકે મનાવવામાં આવે છે
- વૈશ્વિક મહામારીના સમયમાં અજાણતામાં જ સાદગી આપણા દિનચર્યાનો ભાગ બની ચુકી છે
નવી દિલ્હી, તા. 12 જુલાઇ 2020, રવિવાર
વૈશ્વિક મહામારીના કારણે જીવનની ગતિ થમવા લાગી ત્યારે તેને જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાયો. જે વસ્તુઓને પામવા માટે આપણે ભાગદોડ કરતા હોઇએ છીએ તે જ વસ્તુઓનું મહત્ત્વ વાસ્તવિક જીવનમાં કેટલું છે તે આ કપરાં સમયમાં સમજી શકાયું છે. સાદુ જીવન, સિમ્પલ લાઇફસ્ટાઇલ જેના વિશે આપણે ક્યારેય શાંતિથી વિચાર્યુ પણ ન હતું, હવે તે અજાણતામાં જ આપણી દિનચર્યાનો હિસ્સો બની ગઇ છે.
દર વર્ષે 12 જુલાઇએ 'સાદગી દિવસ' મનાવવામાં આવે છે. અમેરિકાના જાણિતા લેખક, કવિ, પર્યાવરણવિદ્દ, ઇતિહાસકાર અને દર્શનશાસ્ત્રી હેનરી ડેવિડ થોરેના જન્મ દિવસ 12 જુલાઇને 'સિમ્પ્લીસિટી ડે' તરીકે એટલે કે સાદગી દિવસ તરીકે મનાવવામાં આવે છે. હેનરી ડેવિડનો જન્મ 12 જુલાઇ, 1817માં થયો હતો. થોરે સરળ જીવન જીવવાના હિમાયતી હતા અને આ વિષય પર તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા હતા. તેમનું સૌથી પ્રખ્યાત પુસ્તક વોલ્ડેન (Walden) એ કુદરતની આસપાસના જીવનમાં સરળ જીવન જીવવાનું પ્રતિબિંબ છે. તેમણે વિશ્વને 'સાદું જીવન' જીવવાનો સંદેશ આપ્યો હતો અને તેમનું માનવું હતું કે તમામ સમસ્યાનો ઉપાય માત્ર સાદગીમાં જ રહ્યો છે.
સાદગી દિવસનું મહત્ત્વ :
અત્યારના આધુનિક સમયમાં આપણી દુનિયા મોબાઇલ ફોન, લેપટોપ અને બીજા અન્ય ગેઝેટ્સથી જ ઘેરાયેલી રહે છે, એવામાં સિમ્પિલિસીટી ડે એટલે કે સાદગી દિવસ આજના યુગમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. હાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં શાંતિ મેળવવાનો આપણને ભાગ્યે જ સમય મળતો હોય છે, તેથી સાદગી દિવસ તમારા અતિપ્રિય ગેઝેટ્સને તમારાથી દૂર રાખવાની અને જીવનની પ્રત્યેક ક્ષણની ખરેખર અનુભૂતિ કરવાની તથા જીવનના અમૂલ્ય સમયને ખરા અર્થમાં સમજવાની અને આનંદ માણવાની તક આપે છે.
અમેરિકાના જાણિતા મનોવૈજ્ઞાનિક હેરાલ્ડ મેસલોએ 'મેસલો પિરામિડ'નો સિદ્ધાંત આપ્યો હતો. જેમાં વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતોનો ક્રમ દર્શાવવામાં આવ્યો હતો. તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે આ જરૂરિયાતો પૂરી કરવામાં જીવન જટિલતા તરફ આગળ વધે છે. જેમ કે, સુરક્ષાની જરૂરિયાત હેઠળ નોકરીની સુરક્ષા, આવકની ચિંતા, સન્માન, ખ્યાતિની જરૂરિયાતને સિદ્ધાંતમાં દર્શાવવામાં આવ્યું. આ એ જરૂરિયાતો છે જે વ્યક્તિને ખોટું બોલવા કે છેતરપિંડી કરવા તરફે પ્રેરી શકે છે. આત્મબોધ એટલે કે પોતાના મનની શાંતિ. આ પણ એક જરૂરિયાત જ છે, જે વ્યક્તિ પર સર્જનાત્મક દબાણ બનાવી રાખે છે. પરંતુ કેટલા લોકો પોતાની કુશળતા અને સમજદારીથી પોતાની સમસ્યાઓ વચ્ચે પણ સાદગીભર્યુ જીવન પસંદ કરી લેતા હોય છે.
જ્યારે સાદગીભર્યું જીવન અપવનાવો છો ત્યારે...
- જરૂરિયાતો નથી વધતી માત્ર એટલું જ ખરીદો છો જેની ખરેખર જરૂર છે.
- સ્વાસ્થ્ય સૌથી મુખ્ય પ્રાથમિકતા છે. તેના પર એકાગ્ર થવાથી તણાવ પણ ઓછો થાય છે.
- વાસ્તવિકતા સ્વીકારી શકો છો અને વધુ પ્રતિક્રિયાશીલ થવાથી બચી શકો છો. નિર્ણય સમજદારીથી લઇ શકો છો.
- બજેટને મહત્ત્વ આપો છો. તમારે કૉમ્પ્રોમાઇઝ ઓછા કરવા પડે છે.
- ભવિષ્યની ચિંતા કરો છો પણ વર્તમાનને પણ સંતોષથી જીવી શકો છો. તમે પોતાની આજને જોખમથી દૂર રાખી શકો છો.
- તમારા રિલેશન વધારે મજબૂત અને અર્થપૂર્ણ બની જાય છે. સાદગીભર્યુ જીવન જીવનાર લોકો પોતાના સંબંધને કર્તવ્ય પાલન કરીને જાળવવામાં મહત્ત્વ ધરાવે છે કોઇને પ્રભાવિત કરવાનો તેમનો ઉદ્દેશ્ય નથી હોતો.
- પોતાનું ધ્યાન રાખે છે. ગેઝેટ્સ અથવા અન્ય ભૌતિક વસ્તુઓમાં ખુદને પોરવી રાખતા નથી. સાદગીભર્યુ જીવન જીવનારની ઉપર મહત્ત્વકાંક્ષાઓ હાવી થતી નથી.
- સરળ વસ્તુઓમાં જ આનંદ માણી લે છે. બિનજરૂરી વસ્તુઓ પર ધ્યાન નથી આપતા જેને કારણે માનસિક શાંતિ અપેક્ષા કરતા વધારે હોય છે.
આમ તો, તમારા કામના પ્રેશર વચ્ચે ઇમેઇલ ચેક કર્યા વગર રહેવું, રોજિંદા જીવનની એક આદત બની ગયેલું કામ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા વગર રહેવું અથવા તો મનગમતા ટીવી શો જોયા વગર દિવસ પસાર કરવો થોડોક મુશ્કેલ છે. પરંતુ એક દિવસ ખુદને તમારા લેપટોપ અને સ્માર્ટફોનથી અનપ્લગ કરવાનો પ્રયાસ કરી જુઓ. તો કદાચ તમને આશ્ચર્યજનક પરિણામ મળી શકે છે.
સરળતા દિવસ જીવનની તમામ સમસ્યાથી દૂર રહેવા માટે પ્રોત્સાહન આપે છે, તો બધી વસ્તુઓને સરળ બનાવવા માટે ટેક્નોલોજીથી દૂર રહીને પોતાના માટે થોડોક સમય કાઢો.