Martyr's Day 2021: જાણો, દર વર્ષે 30 જાન્યુઆરીએ શહીદ દિવસ કેમ મનાવવામાં આવે છે?
નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2021, શનિવાર
ભારત સહિત વિશ્વના 15 દેશ પોતાના ફ્રિડમ ફાઇટર્સને સન્માન આપવા માટે શહીદ દિવસ મનાવે છે. અને ભારતમાં શહીદ દિવસ દર વર્ષે 30 જાન્યુઆરી અને 23 માર્ચે ભારતની સ્વતંત્રતા, ગૌરવ, કલ્યાણ અને પ્રગતિ માટે લડનાર પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મનાવવામાં આવે છે.
30 જાન્યુઆરીએ શહીદ દિવસ કેમ મનાવવામાં આવે છે?
ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં સૌથી પ્રસિદ્ધ વ્યક્તિ મહાત્મા ગાંધીજીની હત્યા 30 જાન્યુઆરી, 1948ની સાંજે પ્રાર્થના દરમિયાન બિરલા હાઉસમાં નાથૂરામ ગોડસે દ્વારા કરવામાં આવી હતી. તે સમયે તેઓ 78 વર્ષના હતા. આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગાંધીજી ભારતના એક ધર્મનિરપેક્ષ અને એક અહિંસક રાષ્ટ્ર બનાવવાના સમર્થક હતા, જેના માટે તેમને કેટલોય સંઘર્ષ કરવો પડ્યો હતો. 23 માર્ચને પણ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે કારણ કે તે દિવસે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપી દેવામાં આવી હતી.
શહીદ દિવસ કેમ મનાવવામાં આવે છે?
શહીદ દિવસ તરીકે મહાત્મા ગાંધીની સમાધિ, રાજઘાટ પર ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષામંત્રી એક સાથે આવે છે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાનના તેમના યોગદાનને યાદ કરે છે. દેશના સશસ્ત્ર દળના જવાનો અને સેવા આપતા લોકોની શહીદીને સન્માનજનક સલામી આપે છે. એકઠા થઇને લોકો બાપૂ અને દેશના અન્ય શહીદ થનાર લોકોની યાદમાં 2 મિનિટનું મૌન રાખે છે.