Get The App

ATM ખોવાઈ જાય તો સૌથી પહેલા શું કરશો? જાણો પૈસા સુરક્ષિત રાખવાની સરળ રીત

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
ATM Card

How To Block Lost ATM Card: આપણે સૌ આજના ડિજિટલ યુગમાં નાણાની લેવડદેવડ માટે કાર્ડનો જ ઉપયોગ કરીએ છીએ. ડેબિટ, ક્રિડિટ જેવા કાર્ડને આપણે ખૂબ સાચવીને રાખીએ છીએ. પરંતુ જો ક્યારેક ભુલથી તમારું કાર્ડ ખોવાઈ જાય તો તમે શું કરો? સામાન્ય રીતે લોકો સલાહ આપશે કે સૌથી પહેલા બેંકમાં જઈ અને કાર્ડને બ્લોક કરાવી દો. આમ, ATM ખોવાઈ જાય તો શું કરવું, કેવી રીતે તાત્કાલિક બ્લોક કરવું, નવું કાર્ડ કઈ રીતે બનાવવુ અને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિમાં શું કરવું તેને લઈને વિગતે માહિતી મેળવીએ.

તાત્કાલિક ATM કાર્ડ બ્લોક કરાવવું કેમ જરૂરી?

 જ્યારે તમારું ATM કાર્ડ ખોવાઈ જાય છે, ત્યારે સમય બગાડ્યા વગર તાત્કાલિક કાર્ડને બ્લોક કરાવવાથી પૈસા ઉપડવાનું જોખમ ઓછું રહે છે. જેમાં મોડું કરવાથી કોઈ વ્યક્તિ કાર્ડનો ખોટો ઉપયોગ કરી શકે છે. જો કાર્ડ કોઈ અજાણ્યા વ્યક્તિને મળે છે તો તે ATMમાંથી પૈસા ઉપાડી શકે છે, દુકાન પર સ્વાઈપ કરી શકે છે, ઓનલાઈન ખરીદી કરી શકે છે. જેને સામાન્ય રીતે ગેરકાયદે લેવડદેવડ કહેવામાં આવે છે. એટલે કાર્ડ ખોવાયા બાદ તાત્કાલિક બેંકનો સંપર્ક કરીને કાર્ડ બંધ કરાવવું આવશ્યક છે. જેમાં સમયસર જાણકારી આપવાથી તમારું બેંક ખાતુ સુરક્ષિત રહે છે. 

તમારું ATM કાર્ડને બ્લોક કરવાની સરળ રીતો

SMS દ્વારા બ્લોક કરો: જો તમારો મોબાઈલ નંબર તમારી બેંકમાં નોંધાયેલો છે, તો તમે SMS દ્વારા પણ તમારું કાર્ડને બ્લોક કરી શકો છો. ફક્ત તમારા મોબાઈલ ફોનમાંથી "BLOCKCC" લખીને બેંકના સત્તાવાર નંબર પર મોકલો. તમને એક વેરિફિકેશન મેસેજ મળશે. આ રીતે ઝડપી અને સરળ છે.

ટોલ-ફ્રી કસ્ટમર કેર નંબર પર કૉલ કરો: તમે તમારી બેંકના 24-કલાક હેલ્પલાઈન નંબર પર કૉલ કરીને પણ તમારું કાર્ડ બ્લોક કરાવી શકો છો. જેમાં ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ તમારી ઓળખની પુષ્ટિ માટે તમને કેટલાક સવાલો પૂછશે. ત્યારબાદ કાર્ડ તરત જ બ્લોક થઈ જશે. હંમેશા બેંકની સત્તાવાર વેબસાઇટ પર અથવા તમારી પાસબુકમાં જણાવેલા નંબર પર કૉલ કરો. ગુગલ કે અન્ય કોઈ લિંકના માધ્યમથી મેળવેલા નંબરમાં છેતરપિંડી થવાની શક્યતા રહેલી છે, માટે બેંકની સત્તાવાર વેબસાઈટ કે બેંકનો સંપર્ક કરીને નંબર મેળવવો.

મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગ થકી: જો તમે નેટ બેંકિંગ અથવા મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરો છો તો તેમાં લોગઈન કરીને કાર્ડ સેવાઓ અથવા બ્લોક કાર્ડ વિકલ્પ પસંદ કર્યા બાદ કાર્ડ થોડા ક્લિક્સમાં બ્લોક કરી શકો છો. આ પદ્ધતિ સૌથી ઝડપી અને સૌથી અનુકૂળ માનવામાં આવે છે.

બેંક શાખાની મુલાકાત લેવી: જો ફોન કે ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ ન હોય તો નજીકની શાખાની મુલાકાત લેવી આવશ્યક છે. ત્યાં તમે બેંક અધિકારીને પરિસ્થિતિ સમજાવો, ઓળખના પુરાવા રજૂ કરીને તમારું ખોવાયેલું કાર્ડ બ્લોક કરાવી શકો છો. 

કાર્ડ બ્લોક થયા બાદ શું થશે?

કાર્ડ બ્લોક કરાવ્યા બાદ તેમાંથી કોઈપણ વ્યક્તિ કોઈ પ્રકારાના વ્યવહાર કરી નહીં શકે. જેમાં બેંક તમને એક રેફરન્સ નંબર કે કન્ફર્મેશન આઈડી આપશે. આ નંબર કે આઈડીને સુરક્ષિત રાખવું જોઈએ, કારણ કે ભવિષ્યમાં કોઈ પ્રકારે ફરિયાદ કે જાણકારી મેળવવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે.

આ પણ વાંચો: ઘર ખરીદવું કે ભાડે રહેવું? પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે સમજો કયો વિકલ્પ બેસ્ટ, જાણો વિગતવાર

નવું ATM કાર્ડ કઈ રીતે બનાવવું?

જૂનુ કાર્ડ બ્લોક થયા બાદ તમારે નવુ કાર્ડ બનાવવું પડશે. જેના માટે હેલ્પલાઈન નંબર પર ફોન કરીને, નેટ બેંકિંગ કે મોબાઈલ એપ દ્વારા કે બેંકની બ્રાંચમાં જઈને નવા ATM કાર્ડ માટેની પ્રોસેસ કરાવી શકો છો. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ કે પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે. જો તમે બ્રાંચમાં જઈને પ્રોસેસ કરાવો છો તો આ ડોક્યુમેન્ટ સાથે રાખવા.