લોકડાઉન દરમિયાન શંકાશીલ પાર્ટનરને આ રીતે હેન્ડલ કરીને ખુશ રહો
વર્ક ફ્રોમ હોમ કે પછી ફોનનો ઉપયોગ પાર્ટનરને તમારી વફાદારી અંગે શંકા જન્માવી શકે છે
નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2020, રવિવાર
કોઈ પણ જાતના સંબંધમાં બિનજરૂરી બંધનો તેને મજબૂત બનાવવાના બદલે નબળા બનાવવાનું કામ કરે છે. લોકડાઉન દરમિયાન અનેક પરિવારોમાં ઘરેલું હિંસાની ઘટનાઓ વધી રહી હોવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. એક વ્યક્તિના વિચારો અન્ય વ્યક્તિ કરતા અલગ હોય અથવા કોઈ વ્યક્તિ પોતાના પાર્ટનર પર શંકા કરે ત્યારે જ સંબંધોમાં ઝગડા વધી જતા જોવા મળે છે. જો તમારૂં પાર્ટનર પણ આવા સ્વભાવનું હોય તો તેને આ પાંચ રીતે હેન્ડલ કરીને જીવનમાં શાંતિની અનુભૂતિ કરી શકાય છે.
1. પોતાની વાત સમજાવો
લોકડાઉન દરમિયાન વર્ક ફ્રોમ હોમ ચાલુ હોય કે પછી તમને ફોન પર વાત કે ઓનલાઈન ચેટિંગ કરતા જોઈને તમારા પાર્ટનરને તમારી વફાદારી અંગે શંકા જાગે છે. આ સંજોગોમાં સૌપ્રથમ પાર્ટનરને તમારા પર વિશ્વાસ જાળવી રાખવા સમજાવવું જોઈએ.
2. પર્સનલ સ્પેસની માંગ
જો પાર્ટનરનો શંકાશીલ સ્વભાવ સંબંધોમાં ગૂંગળામણનું કારણ હોય તો એક વખત તેના સાથે વાત કરી લેવી જોઈએ. તેના પાસેથી સંબંધમાં પર્સનલ સ્પેસની માંગણી કરવી જોઈએ. જીવનમાં તમે બંને પોતપોતાનું અલગ અસ્તિત્વ અને અને જિંદગી ધરાવો છો તે સમજાવવું જોઈએ. આ કારણે જ બંનેએ અલગ પર્સનલ સ્પેસની આશા રાખવી જોઈએ.
3. તમારી પસંદગી
ટૂંકા વસ્ત્રો ન પહેરો, ફલાણા મિત્રને છોડી દો, ફલાણી જગ્યાએ નહીં જવાનું આવા અનેક વાક્યો આપણે સાંભળતા હોઈએ છીએ. જો તમારા પાર્ટનરનો સ્વભાવ પણ આટલો ડોમિનેટિંગ હોય તો તેને તમારી અંગત પસંદગીને મહત્વ આપી તેને સમઝવાનો પ્રયત્ન કરવા કહેવું જોઈએ.
4. કાઉન્સિલરની મદદ લો
પતિ કે પત્ની બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ ઘરમાં જો અન્ય પર હાવી રહેતી હશે અને ઘરમાં રહેતા તમામ લોકોની જિંદગીના નિર્ણયો પોતે જ લેશે તેવી અપેક્ષા રાખતી હશે તો આવા સંબંધોમાં પોતાની મરજીથી છૂટા પડી જવું અઘરૂં થઈ જતું હોય છે. આવા સંજોગોમાં તમે કાઉન્સિલરની મદદ લઈ શકો છો.
5. કોઈ પણ મુદ્દો હદ વટાવી દે તો
જો કોઈ સંબંધમાં તમને માનસિક કે શારીરિક રીતે નુકસાન થઈ રહ્યું હોય તો તેવા સંબંધ પર પૂર્ણવિરામ મુકવું જ યોગ્ય ગણાશે. આ સંજોગોમાં પાર્ટનરને સમજાવવા સૌ પ્રથમ તેના મિત્ર, પોતાના મા-બાપ કે તેમના અંગત લોકોની મદદ લેવી જોઈએ. જો તેમ છતા કોઈ ઉકેલ ન મળે તો શારીરિક નુકસાનથી બચવા પોલીસની મદદ લેવી જોઈએ.