For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મુંબઈમાં 67મા બેંગકોક જેમ્સ એન્ડ જ્વેલરી ફેર માટે 'Let’s Go To Bangkok' રોડ શોનું આયોજન

Updated: Aug 27th, 2022


- ફેશન શોમાં મોડેલ્સ દ્વારા થાઈલેન્ડના જેમ એન્ડ જ્વેલરીની રેન્જ પ્રદર્શિત કરવામાં આવી

મુંબઈ, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર

થાઈલેન્ડ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન (DITP)એ જેમ એન્ડ જ્વેલરી ઈન્સ્ટિટ્યુટ ઓફ થાઈલેન્ડ (GIT)ના પ્રતિનિધિઓ તથા થાઈ ટ્રેડ સેન્ટર, મુંબઈ સાથે મળીને એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 

બેંગકોકમાં આગામી 7થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા 67મા બેંગકોક જેમ્સ એન્ડ જ્વેલરી ફેર (BGJF) માટે મુંબઈમાં 'લેટ્સ ગો ટુ બેંગકોક રોડ શો'નું (Let’s Go To Bangkok Roadshow) આયોજન કર્યું હતું. કાર્યક્રમ બાદ એક વિશેષ ફેશન શો પણ યોજવામાં આવ્યો હતો જેમાં મોડેલ્સ દ્વારા થાઈલેન્ડના જેમ એન્ડ જ્વેલરીની રેન્જ પ્રદર્શિત કરવામાં આવી હતી. 

ભારતની લેબ ગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ (LGDPC) અને DITPએ કઈ રીતે બંને દેશ એકબીજાના વિશેષ સંસાધનોનો મહત્તમ લાભ મેળવી શકે છે તે અંગે માહિતી મેળવી હતી. LGDPCએ થાઈલેન્ડ સમક્ષ મોટા પાયે લેબ ગ્રોન ડાયમંડ્સ, સોના, ચાંદી અને રૂબીની નિકાસ કરી આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બદલામાં થાઈલેન્ડ સમાન ભારતીય મૂલ્ય ધરાવતા રૂબી, ચાંદી અને વ્હાઈટ ગોલ્ડ મોકલી આપશે. આ પ્રકારની વ્યવસ્થાના કારણે અર્થતંત્રને પ્રોત્સાહન મળશે અને બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર પણ મજબૂત બનશે. 

થાઈલેન્ડના રત્નાભૂષણો અને ખાસ કરીને ચાંદીના આભૂષણો માટે ભારત એક પ્રમુખ બજાર રહ્યું છે. ઉપરાંત છેલ્લા એક વર્ષથી ભારતીય બજાર +158.21%ના દરે વિકસી રહ્યું છે. બંને દેશ સદીઓ પુરાણી સભ્યતાઓનું ખાસ જોડાણ પણ ધરાવે છે. ઉપરાંત છેલ્લાં કેટલાક વર્ષોથી બંને પાડોશી દેશ બહુપક્ષીય અને વ્યાવસાયિક સંબંધો પણ ધરાવે છે. 

DITPના વર્તમાન રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરીથી જૂન 2022 દરમિયાન થાઈલેન્ડની રત્નો અને આભૂષણોની નિકાસ (સોના સિવાય) વધીને 3,884.21 અમેરિકી ડોલર થઈ ગઈ છે. જે ગત વર્ષની સરખામણીએ 40.96%  વધારે છે. 

અમેરિકા, હોંગકોંગ અને જર્મની જેવા પ્રમુખ બજારોની માફક ભારતીય બજારે પણ સૌથી ઉંચી એક્સપોર્ટ વેલ્યુનું સર્જન કર્યું છે. હીરા, મોતી, રત્નો, ઘરેણાં, સિન્થેટિક સ્ટોન્સ, કિંમતી ધાતુઓ અને કિંમતી ધાતુઓમાં જડિત અન્ય વસ્તુઓની નિકાસમાં કુલ 149.21%નો વધારો જોવા મળ્યો છે. 

છેલ્લા અનેક વર્ષોથી ભારત વેપાર અને મુલાકાત એમ બંને દૃષ્ટિએ BGJF કાર્યક્રમમાં સામેલ થનારા ટોચના દેશોમાં સ્થાન ધરાવે છે. BGJFના 67મા સંસ્કરણ કાર્યક્રમ માટે નોંધણી મામલે પણ ભારતીયો પહેલા નંબરે છે અને હજુ પણ રજિસ્ટ્રેશન ચાલુ છે. 

જોકે ભારતીય પ્રદર્શકો માટે પણ BGJF એક ખૂબ જ મહત્વનું વેપાર મંચ છે. પાડોશી હોવાના કારણે બંને દેશ સંસ્કૃતિથી શરૂ કરીને ફેશન, જીવનશૈલી એમ અનેક મામલે લગભગ સમાનતા ધરાવે છે. જેથી ભારતીય ખરીદદારો કે આયાતકારો માટે આ એક્ઝિબિશન થાઈલેન્ડ દ્વારા વિશિષ્ટરૂપે બનાવવામાં આવેલા રત્નો અને આભૂષણોની નવતર રેન્જ સુધી પહોંચવા માટેનું નજીકનું, તૈયાર અને વૈશ્વિક સ્તરે વિશાળતમ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. 

બેંગકોકમાં યોજનારા BGJF 2022માં 800થી વધુ એક્ઝિબિટર્સ (પ્રદર્શકો) અને 1,800થી વધારે બૂથ હશે. ઉપરાંત તેમાં 10,000થી પણ વધારે મુલાકાતીઓ જોડાશે અને 1,200 મિલિયન બાહ્ત (થાઈ કરન્સી)થી (265 કરોડ રૂપિયા) પણ વધારેની રેવન્યુ ઉભી થશે તેમ માનવામાં આવી રહ્યું છે. 

મુંબઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)ના ચેરમેન આશિષ પેઠે, વેસ્ટર્ન રિજન જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન અશોક ગજેરા, ભારત ડાયમંડ બોર્સના વાઈસ પ્રેસિડેન્ટ મેહુલ શાહ, ઈન્ડિયન બુલેટિન જ્વેલરી અસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મેહતા, LGDJPના ચેરમેન શશિકાંત શાહ, MDMAના સેક્રેટરી સચિન શાહ અને રાજેન પરીખ, GJSCIના ચેરમેન રાજીવ ગર્ગ સહિતની હસ્તિઓએ હાજરી આપી હતી.  

Gujarat