Navratri 2017: જાણો, શું છે નવરાત્રી અને ગરબાનું ખાસ કનેક્શન
- નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની સાથે આદ્યશક્તિના નવ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે
અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર 2017, શુક્રવાર
નવ દિવસ સુધી ચાલતા મહાપર્વમાં મા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. જેની શરૂઆત પહેલા દિવસના કળશ સ્થાપનાથી કરવામાં આવે છે. આ ઉપરાંત નવરાત્રીમાં ગરબા અને દાંડિયાની પણ અનોખી રમઝટ માણવાની મજા આવે છે.
આ પર્વમાં ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહથી ગરબા રમે છે. નવરાત્રી શરૂ થવાના થોડાક મહિના પહેલાથી જ તેઓ અવનવી સ્ટાઇલના ગરબા રમવાની પ્રેક્ટિસ શરૂ કરી દેતા હોય છે. નવરાત્રી દરમિયાન બાળકોથી માંડીને વૃદ્ધ સૌ કોઇ પારંપરિક ગરબા રમવાની મજા માણતા હોય છે. ગરબાનું નવરાત્રી સાથેનું ખાસ કનેક્શન છે.
માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસ માઁને પ્રસન્ન કરવા માટે તેમની આરાધનામાં ગરબા નૃત્ય કરવામાં આવે છે. ગરબા ગુજરાતનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે. ગરબા, દાંડિયા-રાસ રમતા લોકો પારંપરિક વસ્ત્ર પહેરે છે. છોકરીઓ ચણીયા-ચોળી પહેરે છે તો છોકરાઓ કેડીયું પહેરે છે.
આદ્યશક્તિ નવ સ્વરૂપની આરાધનામાં કરવામાં આવતા આ નૃત્યમાં તાળી, ચપટી, ખંજરી, દાંડિયા અને મંજીરાનો ઉપયોગ કરવામાં આવે છે. ગરબામાં લોકો એક સમૂહમાં મળીને નૃત્ય કરે છે અને સાથે જ ગીતો પણ ગવાય છે. ગરબાનું નવરાત્રી સાથેનું કનેક્શન અહીં જ પૂરું નથી થતું. ગરબાને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે એટલા માટે પણ અશ્વિન માસની નવરાત્રીને ગરબા નૃત્યોત્સવ તરીકે મનાવવામાં આવે છે.