કેસરમાં છુપાયો છે સુંદરતાનો ખજાનો..! સ્કિન કેર માટે કરો તેનો ઉપયોગ
નવી દિલ્હી, તા. 25 જૂન 2021, શુક્રવાર
સુંદરતા નિખારવા અને સ્વાસ્થ્ય સંભાળવા માટે કેસરનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. આજે પણ ઘણા બધા બ્યૂટી પ્રોડ્કટ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તેનો દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. વાનગીની રંગત અને સ્વાદ વધારવું હોય અથવા તો પ્રેઝેન્ટેશનને આકર્ષક કરવું હોય તો કેસરનો રોલ તેમાં ખાસ છે. સુંદરતાના નિખારમાં તેની મહત્ત્વની ભૂમિકા છે. કેસરના વિષયમાં કહેવું ખોટું નથી કે તેમાં સુંદરતાનો ખજાનો છુપાયો છે. જાણો, તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ.
ત્વચામાં નિખાર માટે
ત્વચામાં નિખાર એટલે કે ગ્લો લાવવા માટે ચતુર્થાંશ ચમચી કેસરને એક ચમચી ગુલાબ જળમાં દસ મિનિટ માટે પલાળીને રહેવા દો. હવે તેમાં એક ચમચી ચંદન પાઉડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા અને ડોક પર સારી રીતે લગાઓ અને સુકાઇ જવા પર ધોઇ નાંખો. ત્વચામાં નિખાર લાવવા માટે કેસરને દૂધમાં પલાળીને પણ ચહેરા પર લગાવી શકો છો.
ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે
ચહેરા પર ડાર્ક સર્કલ્સ અથવા ટેનિંગ હોય અથવા તો કોઇ અન્ય પ્રકારના ડાઘ-ધબ્બા હોય તો તેને દૂર કરવા માટે તમે કેસરને તુલસીમાં મિક્સ કરીને ઉપયોગમાં લઇ શકો છો. તેના માટે આઠ-દસ તુલસીના પાંદડાંને ધોઇને દળી લો. હવે તેમાં ચતુર્થાંશ ચમચી કેસર મિક્સ કરીને દસ મિનિટ માટે રહેવા દો. જેનાથી કેસર તુલસીમાં મિક્સ થઇ શકે. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા અને ડોક પર લગાવીને વીસ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સાફ પાણીથી ધોઇ નાંખો.
સ્કિનને સૉફ્ટ એન્ડ ક્લીન બનાવવા માટે
શુષ્ક બેજાન સ્કિનને સૉફ્ટ એન્ડ ક્લીન બનાવવા માટે કેસરનો ટોનર તરીકે ઉપયોગ કરી શકો છો. તેના માટે એક નાની શીશી ગુલાબજળમાં ચતુર્થાંશ ચમચી કેસર મિક્સ કરીને રહેવા દો. જ્યારે કેસર ગુલાબ જળમાં સારી રીતે પલળી જાય ત્યારે તેને ક્રશ કરીને ગાળી લો અને સ્પ્રે બોટલમાં ભરીને રાખી દો. આ મિક્સચરને ચહેરા પર સવાર સાંજ સ્પ્રે કરો અને એક મિનિટ પછી હળવા હાથેથી કોટન બૉલની મદદથી લૂછી લો.