વાંચનનો ગજબનો શોખ કે આ 12 વર્ષની છોકરીએ શરૂ કરી દીધી ફ્રી લાઈબ્રેરી
નવી દિલ્હી, 16 જુલાઈ 2019, મંગળવાર
પુસ્તકો વાંચવાનો શોખ કેરળની આ 12 વર્ષની છોકરીને એટલો લાગ્યો કે તેણે પોતાના દમ પર શહેરમાં એક ફ્રી લાઈબ્રેરી શરૂ કરી દીધી છે. આ કામ કરી અને આ છોકરી ભારતની સૌથી નાની ઉંમરની લાઈબ્રેરિયન બની ચુકી છે. તેના પુસ્તકાયલમાં 3500 પુસ્તકોનો સંગ્રહ છે. યશોદા ડી શેનોય, યશોદા લાઈબ્રેરીનું સંચાલન કરે છે. આ લાઈબ્રેરીમાં 110 સદસ્ય છે.
યશોદાના જણાવ્યાનુસાર, તેની લાઈબ્રેરીમાં મલયાલમ ભાષાના 2500 વધારે પુસ્તકો છે અને અંગ્રેજી ભાષાના 1000 પુસ્તકો છે. આ પુસ્તકાયલ બધા માટે ફ્રી છે. લાઈબ્રેરી ચલાવવાના તેના નિર્ણયને તેનો પરીવાર પણ સમર્થન આપે છે. તેની લાઈબ્રેરી વિશે તેના પિતાએ ફેસબુક પર પોસ્ટ કરી અને તેને લોકોની ખૂબ સારી પ્રતિક્રિયાઓ મળી. ત્યારબાદ લોકો લાઈબ્રેરી માટે દાન પણ આપવા લાગ્યા છે. આ દાનની મદદથી યશોદા લાઈબ્રેરીમાં પુસ્તકોનો સંગ્રહ વધારે છે.
યશોદા 3 ધોરણમાં અભ્યાસ કરતી ત્યારથી તેને પુસ્તક વાંચવાનો શોખ જાગ્યો હતો. તેણે જણાવ્યું કે એકવાર તે લાઈબ્રેરીમાંથી પુસ્તક લાવી અને તેને પરત કરવામાં મોડું થઈ જતા તેની પાસેથી દંડ લેવામાં આવ્યો. આ ઘટનાથી તેને ચિંતા થઈ અને તેણે વિચાર્યું કે તે સભ્યપદ માટે ફી ન ભરવી પડે અને દંડ ન કરે તેવી લાઈબ્રેરી શરૂ કરશે. યશોદા વકીલ બનવા માંગે છે. તેના પિતા જણાવે છે કે યશોદાના પુસ્તક વાંચવા ખૂબ ગમે છે અને તે માને છે કે પુસ્તક વાંચવા માટે કોઈ ફી ન હોવી જોઈએ. તેના ભાઈ અને બહેનો પણ આ લાઈબ્રેરીમાં સભ્ય છે.