હેર ડ્રાયરનો ઉપયોગ કરતી વખતે આ વાતોનું રાખવું ધ્યાન, નહીં તો વાળ થઈ જશે ખરાબ
અમદાવાદ, 12 ડિસેમ્બર 2018, બુધવાર
શિયાળામાં વાળ ધોયા બાદ મોટાભાગના લોકો હેર ડ્રાયરની મદદથી વાળ કોરાં કરતા હોય છે. પરંતુ હેર ડ્રાયરનો ઉપયોગ નિયમિત રીતે કરવાથી વાળ ખરાબ થવા લાગે છે. ડ્રાયરના કારણે વાળની કુદરતી ચમક ખોવાઈ જાય છે. હેર ડ્રાયરનો ઉપયોગ પણ કરવામાં આવે અને વાળ પણ ખરાબ ન થાય તેવી ટીપ્સને ફોલો કરવામાં આવે તો વાળની ચમક જળવાઈ રહે છે.
હેર ડ્રાયર વાળથી 7થી 8 ઈંચ દૂર રાખવું અને પછી વાળ કોરાં કરવા. તેનાથી વાળને હીટ ઓછી લાગશે અને વાળ ખરાબ થશે નહીં. હેર ડ્રાયરનું તાપમાન પણ વાળ પ્રમાણે સેટ કરવું જેમકે કર્લી વાળ હોય તો તાપમાન સામાન્ય રાખવું અને વાળ વેવી હોય તો તાપમાન સાવ ઓછું રાખવું.
હેર ડ્રાયરનો ઉપયોગ કરતા હોય તે લોકોએ વાળમાં કંડિશ્નર અચૂક કરવું. કંડિશ્નર કરવાથી વાળને નુકસાન થતું નથી. જો વાળને સેટ કરવા માટે ડ્રાયરનો ઉપયોગ કરવો હોય તો પહેલા વાળને પાણીથી ભીના કરી લેવા પછી જ ડ્રાયરનો ઉપયોગ કરવો.