જલેબી નથી ભારતની મીઠાઈ, જાણો કેવી રીતે તે થઈ પ્રખ્યાત
નવી દિલ્હી, 3 જૂન 2019, સોમવાર
જલેબીનું નામ આવે એટલે મોંમાં પાણી આવી જ જાય. દેશમાં એવું કોઈ ગામ કે શહેર નહીં હોય જ્યાં જલેબી બનતી અને ખવાતી ન હોય. ચાસણીમાં ડુબેલી મીઠી મીઠી જલેબી દરેકને પ્રિય હોય છે. વરસાદ અને શિયાળામાં જલેબી ખાવાની મજા જ અલગ હોય છે. ભારતીયોને તો આ મીઠાઈ પ્રત્યે ખાસ લગાવ હોય છએ. પરંતુ શું તમે જાણો છો કે આ મીઠાઈ હકીકતમાં ભારતની છે જ નહીં. જલેબી પર્શિયા દેશની દેન છે.
જલેબી શબ્દ અરેબિક શબ્દ જલાબિયા પરથી આવ્યો છે. મધ્યકાલીન પુસ્તક કિતાબ અલ તલીકમાં જલાબિયા નામની મીઠાઈનો ઉલ્લેખ મળે છે. આ મીઠાઈનો ઉદ્ભવ પશ્ચિમ એશિયામાં થયો હતો. ઈરાનમાં તે જુલાબિયા નામથી મળે છે. 10મી સદીમાં અરેબિક પાક કલાના પુસ્તક જુલુબિયામાં તેને બનાવવાની રીતે આપવામાં આવી હતી. 17મી સદીના ભોજનકુટુહલા નામના પુસ્તકમાં અને સંસ્કૃત પુસ્તક ગુણ્યગુણબોધિનીમાં પણ જલેબી વિશે લખવામાં આવ્યું છે.
જલેબીના પ્રકાર
1. ખાણીપીણી માટે પ્રખ્યાત ઈંદોર શહેરમાં 300 ગ્રામ વજનનો જલેબા મળે છે. જલેબીના મિશ્રણમાં ખમણેલું પનીર ઉમેરી આ જલેબી તૈયાર કરવામાં આવે છે.
2. બંગાળમાં ચનાર જિલ્પી નામથી આ મીઠાઈ મળે છે. આ જલેબી સ્વાદમાં બંગાળી ગુલાબ જાબું જેવી દેખાય છે. દૂધ અને માવાના મિશ્રણથી આ જલેબી તૈયાર કરવામાં આવે છે.
3. જલેબી જેવો દેખાવ પરંતુ આકારમાં નાના નાના ગોળાકારથી બનેલી આ મીઠાઈને ઈમરતી કહેવામાં આવે છે. તે સ્વાદમાં જલેબી જેવી જ હોય છે બસ તેને બનાવવાની રીત અલગ હોય છે.
ભારતમાં જલેબીની શરૂઆત
જલેબી પર્શિયન ભાષા બોલતા તુર્કી આક્રમણકારીઓ સાથે ભારતમાં આવી. ભારતમાં જલેબીનો ઈતિહાસ 500 વર્ષ જૂનો છે. 5 સદીઓથી તેમાં અનેક પરીવર્તન આવ્યા. ભારતમાં જલેબી અલગ અલગ રીતે ખાવામાં આવે છે. કેટલીક જગ્યાઓએ પોહા સાથે, ક્યાંક ગાઠીયા સાથે તો વળી કેટલીક જગ્યાઓએ રબડી સાથે જલેબી ખાવામાં આવે છે.
વિદેશમાં જલેબી
લેબનાનમાં જેલાબિયા નામની એક પેસ્ટ્રી મળે છે જે આકારમાં લાંબી હોય છે. ઈરાનમાં જુલુબિયા, ટ્યૂનીશિયામાં જ લાબિયા અને અરબમાં જલાબિયા નામથી જલેબી મળે છે. અફઘાનિસ્તાનમાં પારંપારિક તરીકે જલેબીને માછલી સાથે સર્વ કરવામાં આવે છે. મધ્યપૂર્વમાં જે જલેબી ખાવામાં આવે છે તે આપણી જલેબી કરતાં પાતળી, ક્રીસ્પી અને ઓછી મીઠી હોય છે. શ્રીલંકામાં પાની વલાલુ નામથી જલેબી મળે છે જે અડદ અને ચોખાના લોટથી બને છે. નેપાળમાં જેરી નામથી જલેબી મળે છે.