ITCની વૈભવી હોટેલ 'નર્મદા'નો અમદાવાદ ખાતે પ્રારંભ


- આઈટીસી નર્મદાએ તેના સ્થાપત્યનું નિર્માણ કરવા માટે ગુજરાતના વારસાના સીમાચિહ્નો ગણાતા સ્થાપત્યોમાંથી પ્રેરણા લીધી છે

અમદાવાદ, તા. 10 ઓગષ્ટ 2022, બુધવાર 

આઈટીસી લિમિટેડે ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રીમિયમ લક્ઝરી હોટેલ 'આઈટીસી નર્મદા'ના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના કેન્દ્રમાં આવેલી આ પ્રોપર્ટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આઈટીસી નર્મદા એ ગુજરાતની પ્રથમ LEED પ્લેટિનમથી પ્રમાણિત હોટેલ છે અને તે ભારતમાં આઈટીસી હોટેલના વૈભવી કલેક્શનની 15મી હોટેલ છે. આઈટીસી નર્મદા એ ગુજરાત રાજ્યમાં આઈટીસી હોટેલ્સની 12મી પ્રોપર્ટી છે.

વિશાળ વૈભવી રૂમો, સ્પા સહિતની સુવિધાઓ ધરાવતી આ હોટેલ 70 મીટર ઉંચી છે. 19 માળની આ હોટેલમાં 291 રૂમ આવેલા છે અને તેની વાનગીઓની યાદી ઉત્તર-પશ્ચિમી પાકકળાના અદભૂત સમન્વય સમાન છે. 

5 સિગ્નેચર કલિનરી બ્રાન્ડ્સનો સમાવેશ

આઈટીસી નર્મદામાં રૉયલ વેગા પણ હશે, જે ભારતના વૈભવી શાકાહારી ભોજનનું અનોખું સંમિશ્રણ પૂરૂ પાડશે. વિશ્વવિખ્યાત અડાલજની વાવથી પ્રેરિત થઈને તૈયાર કરવામાં આવેલા અને સમગ્ર દિવસ દરમિયાન સેવારત રહેનારા ડાઈનિંગ અને અ લા કાર્ટ રેસ્ટોરન્ટ અડાલજ પેવેલિયનમાં અનેકવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વ્યંજનોને માણી શકાશે. આઈટીસી નર્મદામાં યી જિંગ પણ હશે, જે આઈટીસીની સિગ્નેચર ચાઈનિઝ કુઝિન બ્રાન્ડ છે. જ્યારે ફબેલ એ વૈભવી ચોકલેટ બુટિક છે.

આઈટીસી નર્મદાનો ઉદ્દેશ્ય આતિથ્ય સત્કાર મામલે અમદાવાદને વૈશ્વિક MICE ટુરિઝમ અને ઈવેન્ટ્સ માટેનું એક આદર્શ સ્થળ બનાવવાનો છે. આ વૈભવી હોટેલના કુલ વિસ્તારના 10,820 ચોરસ ફૂટમાં મીટિંગ, બેન્ક્વેટ અને ઈવેન્ટ્સ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમાં સ્વાગત માટેની સુંદર લૉબી ધરાવતા 2,422 ચોરસ ફૂટના પ્રી-ફંક્શન એરિયાની સાથે એક પણ સ્તંભ વગરના 4,600 ચોરસ ફૂટના વિશાળ અને ભવ્ય સ્ટેટ રૂમનો સમાવેશ થાય છે. 

LEED પ્લેટિનમ પ્રમાણપત્ર

લૉન્ચિંગ પ્રસંગે આઈટીસી લિ.ના ચેરમેન સંજીવ પુરીએ અમદાવાદમાં આઈટીસીની સિગ્નેચર હોસ્પિટાલિટી લેન્ડમાર્ક આઈટીસી નર્મદાને લૉન્ચ કરીને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. 

તે રાજ્યની પ્રથમ એવી હોટેલ છે, જેને સસ્ટેનેબિલિટી અને પર્યાવરણના સંરક્ષણ માટે LEED પ્લેટિનમ પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલું છે. છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન આઈટીસી રાજ્યમાં કૃષિ, ઉત્પાદન અને સેવા જેવા ક્ષેત્રોમાં પોતાની હાજરી વિસ્તારી રહ્યું છે. 

એફપીઓ વડે ખેડૂતોનું ડિજિટલ રીતે સશક્તિકરણ કરવા 'ફાયજીટલ ઈકો-સિસ્ટમ' આઈટીસીમાર્સ (ITCMAARS-મેટામાર્કેટ ફૉર એડવાન્સ્ડ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ સર્વિસિઝ) જેવી નવી પહેલ લૉન્ચ કરવા ઉપરાંત નડિયાદ ખાતે અત્યાધુનિક પૅકેજિંગ યુનિટનું નિર્માણ ચાલી રહ્યું છે.

ગુજરાતના વારસા સમાન સ્થાપત્યોમાંથી પ્રેરણા

આઈટીસી નર્મદાએ તેના સ્થાપત્યનું નિર્માણ કરવા માટે ગુજરાતના વારસાના સીમાચિહ્નો ગણાતા સ્થાપત્યોમાંથી પ્રેરણા લીધી છે. તેનો રવેશ મોઢેરામાં આવેલા સૂર્યમંદિરના શાસ્ત્રીય તોરણથી અને એક સમયે આ પ્રદેશના જીવનનો અભિન્ન હિસ્સો ગણાતી વિશિષ્ટ પ્રકારની વાવમાંથી પ્રેરિત છે. તેની સેન્ટ્રલ એટ્રિયમ લૉબી અને તેની વૉટર વૉલને અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીને આપવામાં આવેલી એક શ્રદ્ધાંજલિ ગણાવાઈ છે. આ બિલ્ડિંગનો રવેશ અમદાવાદમાં આવેલી સિદી સૈયદની મસ્જિદમાં આવેલા વિશ્વવિખ્યાત ‘કલ્પવૃક્ષ’ના અર્થઘટન સહિત સ્થાનિક કલાના અંશો ધરાવે છે. 


City News

Sports

RECENT NEWS