International Womens Day 2021 : 8 માર્ચે જ કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ?
નવી દિલ્હી, તા. 03 માર્ચ 2021, બુધવાર
આપણા જીવનમાં આમ તો દરેક વ્યક્તિની પોતાની ખાસ જગ્યા હોય છે પરંતુ મહિલાઓ આપણા જીવનમાં કેટલાય મહત્ત્વના રોલ નિભાવે છે. ક્યારેક માતા સ્વરૂપે, ક્યારેક બહેન સ્વરૂપે, તો ક્યારેક એક પત્ની સ્વરૂપે. મહિલાઓના સન્માનમાં જ દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરમાં મહિલાઓના જીવનમાં સુધાર લાવવા તેની જાગરૂકતા વધારવા જેવા કેટલાય વિષયો પર ભાર આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દર વર્ષે 8 માર્ચે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેમ મનાવવામાં આવે છે? આ દિવસ મનાવવા પાછળનું શું કારણ છે?
કેવી રીતે શરૂઆત થઇ?
વર્ષ 1908માં એક મજૂર આંદોલન બાદ જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાની શરૂઆત કરી હતી, કારણ કે મોટી સંખ્યામાં મહિલાઓએ ન્યૂયોર્કમાં આ વાતને લઇને માર્ચ કાઢી હતી કે તેની નોકરીના કલાક ઓછા કરવામાં આવે અને આ સાથે જ તેમનું વેતન પણ વધારવામાં આવે. મહિલાઓના આ આંદોલનને સફળતા મળી અને એક વર્ષ પછી જ સોશિયાલિસ્ટ પાર્ટી ઑફ અમેરિકાએ આ દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કરી દીધો, ત્યારબાદ તેની શરૂઆત થઇ ગઇ.
8 માર્ચ જ કેમ?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવા માટે 8 માર્ચ જ કેમ? ઉલ્લેખનીય છે કે વર્ષ 1917માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન 28 ફેબ્રુઆરીએ રશિયાની મહિલાઓએ બ્રેડ અને પીસ માટે સ્ટ્રાઇક કરી હતી. આટલું જ નહીં, હડતાલ દરમિયાન તેમણે પોતાના પતિઓની માંગણીઓનું સમર્થન કરવાથી પણ ઇન્કાર કરી દીધો હતો, અને તેમણે યુદ્ધને છોડવા માટે મનાવી પણ લીધા હતા.
ત્યારબાદ ત્યાંના સમ્રાટ નિકોલસને પોતાનું પદ છોડવું પડ્યું હતું, અને આ સાથે જ મહિલાઓને મતદાન કરવાનો અધિકાર પણ મળ્યો હતો. જેમ, આ વિરોધ 28 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું તેમ યૂરોપમાં મહિલાઓએ 8 માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટ્સને સપોર્ટ કરવા માટે રેલી કાઢી હતી. આ કારણથી આ દિવસ એટલે કે 8 માર્ચે જ દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાની શરૂઆત કરી હતી.
શું છે મહત્ત્વ?
આપણો સમાજ કેટલો પણ જાગરૂત થઇ જાય, પરંતુ આજે પણ મહિલાઓ પોતાના સન્માનના અધિકાર માટે લડતી જોવા મળે છે. એવામાં મહિલાઓને લઇને સમાજના લોકોને જાગરૂત કરવા, મહિલાઓને તેમના અધિકાર પ્રત્યે જાગરૂત કરવા માટે દર વર્ષે 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે.. જ્યારે આપણા સમાજમાં મહિલાઓને બરાબરીનો અધિકાર મળશે, તે સન્માનથી આ સમાજમાં રહી શકશે, ત્યારે તો આપણો સમાજ એક સભ્ય સમાજ કહેવાશે.