ઓફિસમાં થતા માનસિક સ્ટ્રેસને આ રીતે કરો ઓછું
નવી દિલ્હી, 16 ઓગસ્ટ 2019, શુક્રવાર
ઓફિસમાં કામ સતત વધારે રહે, રજા ન મળે ત્યારે કર્મચારી સ્ટ્રેસનો શિકાર થાય છે. ઓફિસમાં 9 કલાક સુધી સિસ્ટમ પર આંખ રાખી અને કામ કરતા રહેવાથી કર્મચારીઓને માનસિક તાણ રહે છે. આવી સ્થિતીમાં તેઓ ઘરેથી કામ કરવાની ઈચ્છા પણ રાખે છે.
પોતાના પરીવારના સભ્યોને સમય ન આપી શકે ત્યારે પણ વ્યક્તિ સ્ટ્રેસ અનુભવવા લાગે છે. આ સ્થિતીથી બચવું ખૂબ જરૂરી છે. કારણ કે આ માનસિક તાણ વ્યક્તિને ડિપ્રેશનમાં ધકેલી શકે છે. તેમના જીવનમાં નકારાત્મકતા પ્રવેશે છે અને સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. તો ચાલો આજે જાણી લો ઓફિસ સ્ટ્રેસથી કેવી રીતે બચવું.
ઓફિસ સ્ટ્રેસનું કારણ
ઓફિસ સ્ટ્રેસનું મુખ્ય કારણ વર્ક પ્રેશર, અલગ અલગ શિફ્ટમાં કામ કરવું, બોસ દરેક કામમાં ખામી કાઢે, બોસ કે સહકર્મચારી સપોર્ટીવ ન હોય કે ઓફિસમાં કર્મચારી સાથે ખરાબ વર્તન થતું હોય તો વ્યક્તિને ઓફિસ સ્ટ્રેસ રહે છે.
આ રીતે ઓફિસ સ્ટ્રેસ કરો દૂર
લોકો સામાન્ય રીતે સમજી શકતા નથી કે તે તાણમાં છે. તેઓ કારણવિના ખીજાવા લાગે છે. આવી સ્થિતીમાંથી બચવા માટે રોજ ડાયરી લખવાની આદત રાખો. ડાયરીમાં દિવસભરમાં થયેલી સારી ઘટના કે સકારાત્મક વાતોને નોંધવી. આ રીતે તમે સમજી શકશો કે નકારાત્મક ઘટના સાથે કેટલી સારી ઘટનાઓ તમારી સાથે બની છે.
આ ઉપરાંત એ વાત પણ સમજી શકાશે કે કેટલીક વાતો માટે તમે ખોટી ચિંતા કરો છો. ઓફિસમાં કોઈ સાથે મનદુખ થાય કે ઝઘડો થાય તો તેના મનમાં ભરી ન રાખવું. કોઈ માટે મનમાં મેલ રાખવો નહીં. તેનાથી માનસિક તાણ વધશે. એકબીજા સાથે શાંતિથી વાત કરી અને સમસ્યાનો ઉકેલ લાવવો. જો વાતને મનમાં ભરી રાખશો તો નકારાત્મકતા વધશે.