Recipe: મકરસંક્રાંતિ પર આ સરળ રીતે બનાવો તલના લાડુ
નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2020, સોમવાર
આમ તો શિયાળાની ઋતુ શરુ થાય એટલે તલની ચિક્કી, લાડૂ વગેરેનું સેવન લોકો શરૂ કરી દેતા હોય છે. તલમાં એવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે શરીરને મજબૂત કરે છે અને સાથે ગોળ શરીરને ગરમ રાખે છે.
મકરસંક્રાંતિના દિવસે પણ તલના લાડુ ખાવામાં આવે છે, જો કે મોટાભાગે લોકો બહારથી તૈયાર લાડુ લઈ લેતા હોય છે પરંતુ આ વર્ષે તમે બહાર જેવા જ સ્વાદિષ્ટ લાડુ ઘરે બનાવી શકો છો. તેના માટે તમારે લાડુ બનાવવાની રીતે નોંધવાની છે.
સામગ્રી
સફેદ તલ 2 કપ (250 ગ્રામ)
ગોળ 1 કપ (250 ગ્રામ)
કાજુ 2 ચમચી
બદામ 2 ચમચી
એલચી પાવડર જરૂર અનુસાર
ઘી 2 ચમચી
રીત
તલના લાડુ બનાવવા માટે પહેલા તલના દાણા સાફ કરી લો, પછી જાડા તળીયાના વાસણમાં તેને ધીમા તાપે શેકો. શેકેલા તલને થોડા ઠંડા થવા દો. ઠંડા થયા પછી તેમાંથી અડધાને કરકરા પીસી લો અને અડધા તલને આખા રાખો.
હવે અન્ય એક પેનમાં ઘી ઉમેરો અને તેમાં ગોળ ગરમ કરો. ગોળ ઓગળે એટલે તેમાં તલ સહિત તમામ સામગ્રી ઉમેરો. 5 મિનિટ ધીમા તાપે શેકો અને પછી ગેસ પરથી ઉતારી હથેળી પર ઘી લગાવી અને નાના નાના લાડુ તૈયાર કરો.