ગણેશ ચતુર્થી પર બાપ્પાને ધરાવો તલ અને ગોળના મોદક, નોંધી લો રીત
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર 2019, સોમવાર
2 સપ્ટેમ્બર અને સોમવારના રોજ ગણેશ ચતુર્થીનો પર્વ શરૂ થઈ ચુક્યો છે. આ દિવસે ગણેશજીની સ્થાપના કર્યા બાદ તેમની પૂજા 10 દિવસ સુધી કરવામાં આવે છે આ દસ દિવસ દરમિયાન ભગવાનને અલગ અલગ પ્રકારના મોદકનો ભોગ ધરાવવામાં આવે છે. ત્યારે જો તમે પણ ભગવાનને ઘરે લાવ્યા હોય તો નોંધી લો ખાસ તલ અને ગોળના મોદક બનાવવાની રીત.
સામગ્રી
ચોખાના લોટ એક કપ
જરૂર મુજબ પાણી
મીઠું સ્વાદ પ્રમાણે
પૂરણ માટે
કાળા તલ અડધો કપ,
ગોળ અડધો કપ,
પાણી અડધો કપ,
એલચી પાવડર એક ચપટી,
બે ચમચી નાળિયેરનું ખમણ
રીત
સૌ પ્રથમ ગરમ પાણીમાં ગોળ ઉમેરો, ગોળ પીગળી જાય અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવો. હવે તેને ગાળીને એક બાજુ રાખો. હવે ગેસ પર પાત્રમાં ચોખાનો લોટ લો અને ધીરે ધીરે તેમાં પાણી ઉમેરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. એક અન્ય વાસણમાં તલને શેકી લો. ફરીથી ગોળની ચાસણીને ગેસમાં રાખો અને તેને ઘટ્ટ થવા દો તેમાં તલ અને પીસેલું નાળિયેર ઉમેરી દો. થોડીવાર બાદ તેને ગેસ પરથી ઉતારી લો. હવે ચોખાના લોટના મિશ્રણમાંથી થોડું લઈ તેને હથેળી પર પાથરી તેમાં પુરણ ભરી મોદક વાળી લો. હવે તેને 10 મિનિટ સુધી વરાળમાં બાફી લો. તૈયાર થઈ જશે મોદક.