Get The App

આઈબ્રો કરાવ્યા બાદની ત્વચાની તકલીફ દૂર કરો આ ઘરગથ્થુ ઉપચારોથી

Updated: Sep 26th, 2019

GS TEAM

Google News
Google News
આઈબ્રો કરાવ્યા બાદની ત્વચાની તકલીફ દૂર કરો આ ઘરગથ્થુ ઉપચારોથી 1 - image


નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર

ચહેરાની સુંદરતા વધારવામાં આઈબ્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારી રીતે અને ચહેરાને અનુકૂળ શેપમાં કરેલી આઈબ્રો ચહેરાની સુંદરતામાં ચારચાંદ લગાવી દે છે. આઈબ્રોને શેપ આપવા માટે પ્લકિંગ, વેક્સિંગ અને માઈક્રોબ્લેડિંગ પણ કરાવી શકાય છે. જો કે થ્રેડિંગ કરાવવાથી સૌથી વધારે તકલીફ થાય છે. થ્રેડિંગ કરાવ્યા બાદ ચહેરા પર રેશિઝ થઈ જાય છે કેટલીક વાર ફોલ્લીઓ થઈ જાય છે. તેવામાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી અને ત્વચાની આ તકલીફને દૂર કરી શકાય છે. પરંતુ તે પહેલા જાણીએ કે થ્રેડિંગ કરાવતી વખતે દુખાવો શા માટે થાય છે. 

સંવેદનશીલ ત્વચા

જેની ત્વચા સંવેદનશીલ હોય છે તેમને આઈબ્રો કરાવતી વખતે સૌથી વધારે દુખાવો અને બળતરા થાય છે. તેમાં પણ જો ખોટી રીતે થ્રેડિંગ કરવામાં આવે તો ત્વચા લાલ થઈ જાય છે. 

રુક્ષ ત્વચા

જેની ત્વચા રુક્ષ હોય છે તેને પણ થ્રેડિંગ સમયે તકલીફ થઈ શકે છે. તેનાથી ત્વચા પર દોરો લાગે તો લોહી પણ નીકળવા લાગે છે. 

ઓઈલી સ્કીન

જેની સ્કીન ઓઈલી હોય છે તેમને પણ તકલીફ વધારે થાય છે. ઓઈલી સ્કીન હોય તેના નાના વાળને દૂર કરવામાં સૌથી વધારે સમસ્યા થાય છે. 

ત્વચાને આરામ આપતા ઘરગથ્થુ ઉપચાર

એલોવેરા

એલોવેરામાં ત્વચાને ઠંડક આપતા ગુણ હોય છે. જો ત્વચા લાલ થઈ જાય, ખંજવાળ આવે કે ફોલ્લી થવા લાગે તો તુરંત એલોવેરા જેલ લગાવી લેવું.

કાકડી

કાકડીની બે સ્લાઈસ કરી અને આઈબ્રો કર્યા બાદ તેના પર રાખી દેવી. તેનાથી થ્રેડિંગ દરમિયાન થયેલી કટમાં આરામ મળે છે. કાકડીથી દુખાવો પણ દૂર થઈ જાય છે અને તેમાં એંટીઓક્સીડેંટ ગુણ હોય છે જે ત્વચાને નુકસાન થવા દેતું નથી. 

બરફ

થ્રેડિંગમાં વાળને મૂળમાંથી કાઢવામાં આવે છે તેથી ત્વચાના રોમછિદ્રો ખુલી જાય છે. રોમછિદ્રોને બંધ કરવા માટે બરફનો ઉપયોગ કરવો જોઈએ. 

દૂધ

ઠંડું દૂધ ત્વચા પર લગાવવાથી પણ લાભ થાય છે. ઠંડા દૂધમાં રુ બોળી અને આઈબ્રો પર લગાવો. તેનાથી ત્વચા બરાબર થઈ જશે.

ટી બેગ

ઠંડી કરેલી ટી બેગ પણ આઈબ્રોને આરામ આપે છે. થ્રેડિંગ બાદ લાલ અને સોજી ગયેલી ત્વચા પર ટી બેગ રાખવી જોઈએ.

આ ઉપરાંત થ્રેડિંગ કરાવ્યા બાદ તુરંત તડકામાં ન જવું અને થ્રેડિંગ કર્યા બાદ બ્લીચ કે ફેશિયલ ન કરવું. 



Tags :