જાણો, બાળકોના શરીરમાં લોહીનું પ્રમાણ વધારવાના સરળ ઉપાય
- પોષણ અને લોહીની ઉણપથી બાળકમાં એનીમિયા થવાની શક્યાતાઓ વધે છે
- ઘરેલૂ ઉપચારની મદદથી બાળકોમાં લોહીનું સ્તર જાળવી શકાય છે
નવી દિલ્હી, તા. 14 જૂન 2020, રવિવાર
પોષણની ઉણપને કારણે બાળકમાં એનીમિયા થવાની શક્યતાઓ રહે છે. આયર્નને લોહી સાથેના કનેક્શનમાં રાખવા માટે કેટલાક પ્રમાણમાં વિટામિન સી અને વધારે આયર્નની જરૂર પડે છે, પરંતુ નાના બાળકોમાં આટલું ઝડપી ડાયેટ મારફતે એનીમિયા ખતમ કરી શકાતું નથી કારણ કે બાળકના પેટની રચના અનુસાર બાળકોનું ડાયેટ નક્કી કરવું પડે છે.
બાળકોમાં એનીમિયાના લક્ષણની વાત કરીએ તો તેનાથી અસરગ્રસ્ત બાળકની ત્વચા પીળી પડી જાય છે અને તેને થાક લાગવા માંડે છે. બાળકોના એનીમિયાથી લડવા માટે ઘરેલૂ ઉપચારની મદદ લઇ શકાય છે કારણ કે આ ઓછા સમયમાં ઝડપી કામ કરે છે. જો તમે પણ પોતાના બાળકના શરીરમાં લોહીનું પ્રમાણ વધારવા ઇચ્છો છો તો જાણો, લોહી વધારવાના કેટલાક ઉપાય વિશે...
બીટ અને સફરજનનો રસ
એક કપ સફરજનનો રસ, એક કપ બીટનો રસ અને 1 થી 2 ચમચી મધ લો. આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને બાળકને દિવસમાં બે વાર પીવડાવો. સફરજનમાં આયર્ન હોય છે અને બીટમાં વધુ પ્રમાણમાં ફોલિક એસિડની સાથે-સાથે ફાયબર અને પોટેશિયમ હોય છે.
પાલક
અડધો કપ ઉકાળેલા પાલકમાં 3.2 મિ.ગ્રા. આયર્ન હોય છે. એક કપ પાણીમાં અડધો કપ પાલક બાફીને તેનો સૂપ બનાવીને બાળકને આપો. પાલકના એક ગ્લાસ જ્યુસમાં બે ચમચી મધ નાંખીને પીવાથી પણ ફાયદો થાય છે. તમારે આ જ્યુસ ઓછામાં ઓછા 40 દિવસ સુધી તમારા બાળકને આપો.
ટામેટું
સલાડ અથવા સેન્ડવિચમાં બાળકોને ટામેટા આપો. તમારે તમારા બાળકને દરરોજ 1થી 2 ટામેટાનું સેવન કરાવવું જોઇએ. બાળકને દરરોજ એક ગ્લાસ ટામેટાનું જ્યુસ પણ આપી શકો છો. ટામેટા વિટામીન સી અને લાઇકોપીન સભર હોય છે. વિટામિન સી ખાદ્ય પદાર્થોમાંથી મળતા આયર્નને શોષી લેવામાં મદદ કરે છે.
સુકી દ્રાક્ષ
કિશમિશ એટલે કે સુકી દ્રાક્ષમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, પ્રોટીન, ફાઇબર અને આયર્ન હોય છે. 100 ગ્રામ સુકી દ્રાક્ષમાંથી બાળકને 1.88 મિ.ગ્રા. આયર્ન મળે છે. તમે દરરોજ બાળકની મનપસંદ વાનગીમાં સુકી દ્રાક્ષ મિક્સ કરીને ખવડાવી શકો છો.
દાડમ
દાડમમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં આયર્ન અને કેલ્શિયમ પણ હોય છે. દાડમ તમારા બાળક માટે સુપરફૂડનું કામ કરી શકે છે. જો તમે ઇચ્છો છો કે તમારું બાળક એનીમિયા ગ્રસ્ત ન હોય અથવા તેના શરીરમાં લોહીનું પ્રમાણ વધારવા ઇચ્છો છો તો દરરોજ 200 ગ્રામ દાડમ ખાલી પેટ ખવડાવો. તમે બાળકને નાસ્તમાં એક ગ્લાસ દાડમનો જ્યુસ પણ આપી શકો છો.
તલ
તલ પણ એનીમિયાની સારવાર કરી શકે છે. ખાસકરીને કાળા તલ આયર્નનું ઉત્તમ સ્રોત હોય છે. બે કલાક માટે તલના બીજને પલાળવા મૂકી દો. હવે પાણીને ગાળી લો અને તલને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં મધ મિક્સ કરી લો. દિવસમાં બેવાર આ પેસ્ટનું સેવન બાળકને કરાવો. તેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માટે તેમાં બદામ, કાજૂ અને સુકી દ્રાક્ષ પણ નાખી શકો છો.