હોળી પર ચઢી જાય જો ભાંગ તો આ વસ્તુઓથી ઉતારવી તેની અસર
અમદાવાદ, 15 માર્ચ 2019, શુક્રવાર
હોળીનો તહેવાર હોય એટલે ભાંગ પીવી સામાન્ય વાત છે. મહાશિવરાત્રી બાદ હોળીના પર્વ પર લોકો ભાંગ પીતા હોય છે. જો કે ભાંગ જો વધારે પ્રમાણમાં પીવામાં આવે તો તેની અસર વ્યક્તિના જીવને જોખમમાં મુકી શકે છે. વળી ભાંગનો નશો ચઢી જાય તો વ્યક્તિની તબિયત પણ કથડી જાય છે. તેવામાં ભાંગ પીવાની મજા સાથે ઘરમાં એવી તૈયારી પણ રાખવી જોઈએ કે ભાંગ જો ચઢી જાય તો તેની ઉતારવી કેવી રીતે. ભાંગની અસર કઈ કઈ વસ્તુઓથી ઉતારી શકાય તે જાણીએ.
ભાંગ ખાવા કે પીવાથી શરીરની નર્વસ સિસ્ટમ કંટ્રોલમાં રહેતી નથી. એટલા માટે જ જેને ભાંગનો નશો ચઢે છે તેના શરીર અને મન પર તેનો કાબૂ રહેતો નથી. ભાંગના નશામાં કેટલાક લોકો ખૂબ હસે છે, કેટલાક રડે છે અને કેટલાક લોકો ઊંઘી જાય છે. આવી હાલત જ્યારે કોઈની હોય તો નીચે દર્શાવેલા ઘરગથ્થુ ઉપાયથી ભાંગની અસરને ઘટાડી શકાય છે.
ખાટી વસ્તુથી ઉતારો ભાંગની અસર
ભાંગની અસર દૂર કરવા માટે ખાટી વસ્તુઓ કામ લાગી શકે છે. હોળીના સમયે ઘરમાં સંતરા, દ્રાક્ષ, લીંબુ ખાસ રાખવા. જો ભાંગની અસર વધારે થઈ જાય તો આ ફળ ખાવાથી એક કલાકમાં વ્યક્તિ સામાન્ય થઈ જાય છે. આ ઉપરાંત ભાંગની અસર દૂર કરવા માટે દહીં, છાશ જેવી ખાટી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકાય છે. આમલી ખવડાવીને પણ ભાંગની અસરને દૂર કરી શકાય છે.
નાળિયેર પાણી
ભાંગનો નશો જો ઝડપથી ઉતારવો હોય તો નાળિયેર પાણી સૌથી વધારે લાભકારી છે. આ પાણી પીવાથી પેટમાં પહોંચેલા નશીલા દ્રવ્ય મૂત્ર મારફતે બહાર નીકળી જાય છે. સાથે જ નાળિયેરમાં જે મિનરલ્સ હોય છે તે શરીરને રિહાઈડ્રેટ કરી દે છે.