ગરમીમાં વધી જાય છે પગમાં પરસેવાની સમસ્યા ? તો આ રીતે કરો ઈલાજ
અમદાવાદ, 9 માર્ચ 2019, શનિવાર
ઉનાળો શરૂ થવાની સાથે જ પરસેવાની સમસ્યા સામાન્ય બની જાય છે. શરીરમાં થતા પરસેવા કરતાં સૌથી વધારે સતાવે છે પગમાં થતો પરસેવો અને તેમાંથી આવતી દુર્ગંધ. પગમાંથી આવતી પરસેવાની બદબૂના કારણે લોકો વચ્ચે આપણે શરમજનક સ્થિતીમાં મુકાઈ જવું પડે છે. પગમાંથી આવતી આવી બદબૂને બ્રોમિહાઈડ્રોસિસ કહેવામાં આવે છે. આ સમસ્યા એવા લોકોને વધારે સતાવે છે જેની પગની ત્વચામાં થતો પરસેવો સૂકાતો ન હોય. આપણી સૌની ત્વચા પર બેક્ટેરિયા તો રહે જ છે જ્યારે તે પરસેવાના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી વાસ આવે છે. ગરમીના દિવસોમાં થતી આ સમસ્યાને દૂર કેટલાક ઘરગથ્થુ ઉપાયો અજમાવીને કરી શકાય છે.
- સૌથી પહેલા તો પોતાના જૂતા અને મોજાને સાફ રાખવા. મોજાને રોજ ધોવા જોઈએ. ઉનાળામાં એવા મોજા જ પહેરવા જે પરસેવાને સુકાવામાં મદદ કરે. જો તમારે ઓફિસમાં શૂઝ પહેરવા પડતા હોય તો તેને પણ થોડા થોડા દિવસે ધોઈ લેવા. ચામડાના જૂતા હોય તો તેને તડકામાં થોડીવાર રાખી દેવા જોઈએ.
- રોજ રાત્રે હુંફાળા પાણીમાં નમક ઉમેરી તેમાં પગને 30 મિનિટ સુધી બોળી રાખવા. ત્યારબાદ પગને સારી રીતે સાફ કરી લેવા અને મોજા પહેરી લેવા.
- પગમાં વધારે પ્રમાણમાં પરસેવો થતો હોય તો પગમાં પણ ટેલકમ પાવડર લગાડવો. તેનાથી પરસેવો નહીં થાય અને વાસ પણ નહીં આવે.
- પગમાંથી આવતી વાસને દૂર કરવા માટે ટબમાં ગરમ પાણી કરી તેમાં ટી-બેગ રાખી અને તેમાં પગ બોળવા. આ ઉપાયથી પણ પગમાંથી આવતી વાસ દૂર થાય છે. આ જ રીતે તમે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો.
- લીંબૂનો રસ પગમાંથી આવતી વાસને દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે. લીંબૂને પગ પર લગાવી અને થોડીવાર રાખી પગને પાણીથી ધોઈ લેવા.
- આ ઉપાયોની સાથે સપ્તાહમાં એકવાર પગમાં સ્ક્રબ કરી લેવું જેથી પગની ડેડસ્કીન નીકળી જાય.