For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુપી: શાહજહાંપુરમાં 'જૂતામાર હોળી' દ્વારા હોળીનો પર્વ મનાવવાની અનોખી રીત

Updated: Mar 3rd, 2023

Article Content Image

લખનૌ, તા. 03 માર્ચ 2023 શુક્રવાર

હોળી રંગોનો તહેવાર છે પરંતુ દેશના જુદા-જુદા ભાગોમાં લોકોએ આને મનાવવાની અનોખી રીત અપનાવી છે. રંગ-પિચકારીથી રમાતી હોળી લાઠી-ડંડા અને કિચડથી લઈને જૂતા સુધી મનાવવામાં આવે છે. જોકે રીત ગમે તે હોય પણ આ તહેવારના ઉત્સાહ પર કોઈ અસર પડતી નથી પરંતુ તે તેના આનંદને વધારી દે છે. વસતીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય યુપીના જિલ્લામાં અલગ-અલગ રીતે હોળી મનાવવામાં આવે છે. આવી જ ખાસ હોળી શાહજહાંપુરમાં મનાવવામાં આવે છે જેની ચર્ચા સમગ્ર દેશમાં થાય છે.

શાહજહાંપુરમાં 18મી સદીમાં નવાબનુ જુલૂસ કાઢીને હોળી મનાવવાની પ્રથા શરૂ થઈ પરંતુ 1947 બાદ આ જુલૂસનું રૂપ બદલાઈ ગયુ અને ત્યાંની હોળી જૂતામાર હોળીમાં બદલાઈ ગઈ. શાહજહાંપુરના લોકો આ તહેવારની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. આ દિવસે લાટ સાહેબનું જુલૂસ નીકળે છે જેમાં ભારે ભીડ ઉમટે છે. સ્થાનિક પોલીસ-તંત્રને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે કેમ કે તેમને આ દરમિયાન માહોલ બગડવાની શંકા રહે છે.

Article Content Image

હોળીના દિવસે ભેંસ ગાડી પર લાટ સાહેબનું જુલૂસ નીકળે છે. જુલૂસ શરૂ કર્યા પહેલા લાટ સાહેબને હેલમેટ પહેરાવવામાં આવે છે. તેમના સેવક બનેલા લોકો તેમને ઝાડુથી પવન નાખે છે અને લાટ સાહેબ પર જૂતા વરસાવે છે. આ દરમિયાન લાટ સાહેબ જૂતાની માળા પણ પહેરે છે. આ જુલૂસને શાહજહાંપુરની અમુક ગલીમાંથી પસાર કરવામાં આવે છે. સૌથી પહેલા આ જુલૂસ પોલીસ સ્ટેશન પહોંચે છે જ્યાં પોલીસ લાટ સાહેબને સલામી આપે છે. લાટ સાહેબના માથા પર એક તરફ જૂતા-ચપ્પલ વરસાવવામાં આવે છે તો અમુક સ્થળોએ ફૂલ-માળાઓથી પણ સ્વાગત કરવામાં આવે છે.

શું છે પરંપરા

યુપીના શાહજહાંપુર શહેર નવાબ બહાદુર ખાને વસાવ્યુ હતુ. જાણકારો અનુસાર આ વંશના છેલ્લા શાસક નવાબ અબ્દુલ્લા ખાન પારિવારિક કંકાસના કારણે ફર્રુખાબાદ જતા રહ્યા હતા. તેઓ હિંદુ-મુસ્લિમ બંનેની વચ્ચે લોકપ્રિય હતા. 1729માં તેઓ શાહજહાંપુર પરત આવ્યા. તે સમયે તેમની ઉંમર 21 વર્ષની હતી. તેમની વાપસી બાદ જ્યારે પહેલી હોળી આવી તો બંને સમુદાયોના લોકો તેમને મળવા માટે મહેલ પાસે ઊભા થઈ ગયા. જ્યારે નવાબ સાહેબ બહાર આવ્યા ત્યારે બધાએ હોળી રમી. ઉત્સાહિત લોકોએ નવાબને ઊંટ પર બેસાડીને શહેરનું એક ચક્કર લગાવ્યુ. જે બાદથી આ શાહજહાંપુરની હોળીનો ભાગ બની ગયુ. 

જોકે આ ખુશી લાંબા સમય સુધી રહી શકી નહીં. 1858માં બરેલીના સૈન્ય શાસક ખાન બહાદુર ખાનના સૈન્ય કમાન્ડર મરદાન અલી ખાને હિંદુઓ પર હુમલો કરાવ્યો જેમાં ઘણા લોકો માર્યા ગયા. શહેરમાં સાંપ્રદાયિક તણાવ પેદા થઈ ગયો. હુમલો કરાવવામાં અંગ્રેજોની ભૂમિકા મહત્વની માનવામાં આવી. લોકોમાં અંગ્રેજો પ્રત્યે ખૂબ રોષ હતો તેથી દેશની આઝાદી બાદ લોકોએ નવાબ સાહેબનું નામ બદલીને લાટ સાહેબ કરી દીધુ અને જુલૂસ ઘોડા કે ઊંટ ના બદલે ભેંસ ગાડી પર કાઢવા લાગ્યા અને લાટ સાહેબને જૂતા મારવાની પરંપરા શરૂ થઈ ગઈ. આ જોકે અંગ્રેજો પ્રત્યે રોષ વ્યક્ત કરવાની રીત હતી.

Gujarat