ધૂળેટી પર કેમિકલ કલરના કારણે વાળ ખરાબ ન થઈ જાય તે માટે આટલી કાળજી રાખો
Hair Care For Holi: ધૂળેટીનો તહેવાર રંગો, મસ્તી અને આનંદનો તહેવાર છે. પરંતુ આ કેમિકલવાળા કલર વાળને પણ નુકસાન પહોંચાડે છે. જેના કારણે વાળ તૂટવા, ખરવા અને ડ્રાય થઇ શકે છે. તેથી, ધૂળેટીના દિવસે વાળની ખરાબ થતા અટકાવવા માટે આટલી કાળજી જરૂર રાખશો.
વાળમાં તેલ નાખીને રાખો
ધૂળેટી રમતા પહેલા વાળમાં નાળિયેરનું તેલ, ઓલિવ ઓઈલ અથવા કોઈપણ સારી ગુણવત્તાનું તેલ લગાવવું ખૂબ જ ફાયદાકારક છે. તેલ વાળને કલરથી બચાવે છે અને વાળને હાઈડ્રેટ રાખે છે, જેના કારણે વાળ સુકાતા નથી કે તૂટતા નથી.
તેમજ વાળમાં તેલ નાખતા પહેલા તેલમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરો. આ તમારા વાળને ધૂળેટીના રંગોથી બચાવશે. તેનાથી માથાની ચામડી કે વાળને નુકસાન થતું નથી.
વાળ બાંધેલા રાખો
ધૂળેટી રમતી વખતે તમારા વાળ ખુલ્લા રાખવાને બદલે તેને બાંધીને રાખો. તમે ઊંચી પોનીટેલ કે બન બનાવી શકો છો. તેનાથી વાળ ઓછા કલર લાગશે અને તે સુરક્ષિત રહેશે.
હેડસ્કાર્ફ અથવા કેપ પહેરો
ધૂળેટી રમતી વખતે તમારા વાળને બચાવવા માટે હેડસ્કાર્ફ અથવા કેપ પહેરો. તેનાથી વાળમાં કલર લાગવાનું જોખમ ઓછું થશે.
હેર માસ્કનો ઉપયોગ કરો
તમે ધૂળેટી રમતા પહેલા હેર માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો. હોમમેઇડ DIY હેર માસ્ક, જેમ કે દહીં, મધ અને આમળાનું મિશ્રણ, વાળને સોફ્ટ અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનાથી વાળ પર કલરની અસર ઓછી થશે. આ સિવાય હેર સીરમ પણ લગાવી શકો છે જેથી કલરથી વાળને ઓછું નુકસાન થાય.